
- ઈંધણ બચાવવા વાહનને બદલે પગપાળા નીકળશે શોભાયાત્રા
રાજકોટ,03 જૂન (હિ.સ.) રાજકોટમાં આયોજીત સનાતન સેતુ હનુમંત કથા’નું દેશના પ્રધાનમંત્રી દ્વારા ઈંધણ બચાવવાની અપીલના પગલે ઘરે-ઘરે વાહનને બદલે પગપાળા નીકળશે શોભાયાત્રા દ્વારા અપાશે નિમંત્રણ. આ માટે બાગેશ્વર ધામથી પૂજિત 11 અક્ષત કળશ રાજકોટ લવાયા છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી 5, 6 અને 7 જૂન દરમિયાન ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ ના મુખેથી ભવ્ય ‘સનાતન સેતુ હનુમંત કથા’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક મહોત્સવના પ્રારંભ પૂર્વે, મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામ ખાતે હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલા 11 અક્ષત કળશનું રાજકોટમાં આગમન થયું છે.
સંત ભક્તિપ્રકાશ સ્વામીના હસ્તે આ કળશોનું વિતરણ કરાયું છે, જે અંતર્ગત 4 જૂને સાંજે 6 વાગ્યે શહેરના વિવિધ 11 ઝોનમાં ભવ્ય કળશ પદયાત્રા કાઢવામાં આવશે.
આ આયોજનમાં સૌથી મોટો અને પ્રશંસનીય અભિગમ એ લેવામાં આવ્યો છે કે, સમગ્ર શહેરમાં એક મોટી વાહન રેલી કાઢવાના બદલે, પેટ્રોલ-ડીઝલની બચત થાય અને પર્યાવરણની જાળવણી થાય તેવા શુભ આશયથી આયોજકોએ પદયાત્રાનો નિર્ણય કર્યો છે.
કથાના આગલા દિવસે એટલે કે 4 જૂને શહેરના અલગ-અલગ 11 મુખ્ય ઝોનમાં સ્થાનિક ધાર્મિક અને સામાજિક સંગઠનોના સહયોગથી માત્ર ચાલીને જ શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા દ્વારા લોકોને કથામાં જોડાવા માટે અક્ષત (ચોખા) આપીને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવશે.
સૌરાષ્ટ્ર સનાતન સમિતિના મુખ્ય આયોજક કિશોર ખંભાયતા અને તેમની ટીમે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં અક્ષત કળશને શુભ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કળશ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વડીલો પરંપરાગત વેશભૂષામાં જોડાશે. સમગ્ર રૂટ પર ભજન-કીર્તન, ધર્મધ્વજ અને સાંસ્કૃતિક ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક એકતા મજબૂત કરવાનો છે.
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા માત્ર ડિજિટલ મેસેજ કે સોશિયલ મીડિયાના બદલે ભારતીય પરંપરા મુજબ ‘પીળા ચોખા’ આપીને લોકોને આમંત્રિત કરવાનું અનોખું આયોજન છે. 4 જૂને નીકળનારી પદયાત્રા દરમિયાન મધ્યપ્રદેશના બાગેશ્વર ધામથી આવેલા પવિત્ર અક્ષતને સ્થાનિક ચોખા સાથે મિશ્ર કરીને લાખો પરિવારોના ઘરે રૂબરૂ જઈને કથાનું નિમંત્રણ પાઠવવામાં આવશે. આ પદયાત્રામાં 100થી વધુ ભજન મંડળીઓ અને શંખનાદ કરનારા યુવાનો આકર્ષણ જમાવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ