
ભરૂચ, 03 જૂન (હિ.સ.)
નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામે કૌટુંબિક કાકા-ભત્રીજા વચ્ચે થયેલા ઝઘડા અને મારામારીનો મામલો આખરે પોલીસ મથકે પહોંચ્યો છે. મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભત્રીજાએ શરૂઆતમાં હોસ્પિટલના તબીબો સમક્ષ પોતે આંબાના ઝાડ પરથી પડી ગયો હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું. જોકે, ઈજા ગંભીર હોવાથી તેને સુરત સિવિલ ખસેડવો પડ્યો હતો, જ્યાં ઓપરેશન બાદ અને પરિવાર વચ્ચે સમાધાનની વાટાઘાટો નિષ્ફળ જતાં અંતે નેત્રંગ પોલીસ મથકમાં કૌટુંબિક કાકા વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તબીબો સમક્ષ 'ઝાડ પરથી પડ્યા'નું નાટક કર્યું હતું. નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામે રહેતા રાજેશ વસાવાને તેના જ કૌટુંબિક કાકા હરેશ રાયસિંગ વસાવા સાથે પાણીની સબમર્સિબલ મોટર ચાલુ કરવા બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન હરેશ વસાવાએ રાજેશને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ઈજાગ્રસ્ત રાજેશને તાત્કાલિક સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના બિછાને રાજેશે તબીબો સમક્ષ એવી કેફિયત રજૂ કરી હતી કે, તે આંબાના ઝાડ પરથી પડી જવાથી તેને આ ઈજાઓ થઈ છે.
ગંભીર ઈજાના કારણે સુરત સિવિલમાં ઓપરેશન કરવું પડ્યું હતું અને હકીકત બહાર આવી .રાજપીપળા સિવિલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પણ રાજેશની તબિયતમાં સુધારો થયો ન હતો. તેને આંતરિક મૂઢ ઈજાઓ થઈ હોવાથી તબીબોએ તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂરિયાત દર્શાવી હતી. જેથી ગત તારીખ 25 મીના રોજ તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
બીજી તરફ, રાજેશને માર મારનાર હરેશ સંબંધમાં કાકા થતા હોવાથી બંને પક્ષો વચ્ચે મામલો થાળે પાડવા માટે અને હોસ્પિટલ-પોલીસ કચેરીના ધક્કાથી બચવા માટે સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા. લાંબી ચર્ચા-વિચારણા બાદ પણ બંને પક્ષો વચ્ચે કોઈ સુખદ સમાધાન થઈ શક્યું ન હતું. અંતે કંટાળીને ભોગ બનનાર રાજેશ વસાવાએ ગત 2 જૂના રોજ નેત્રંગ પોલીસ મથક પહોંચીને હરેશ રાયસિંગ વસાવા વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ