વલસાડમાં જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાયો, ૧૨૨૮માંથી ૬૮૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
વલસાડ, 03 જૂન (હિ.સ.) રાજ્યના યુવાનોને રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને વલસાડ ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાયો હતો. જિલ્લા રોજગાર કચેરી વલસાડ અને ન
મેગા જોબફેર યોજાયો


વલસાડ, 03 જૂન (હિ.સ.) રાજ્યના યુવાનોને રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને વલસાડ ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાયો હતો. જિલ્લા રોજગાર કચેરી વલસાડ અને નગર રોજગાર કચેરી ધરમપુરના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ ભરતી મેળામાં ૨૪ જેટલી નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો.

મેળામાં વિવિધ કંપનીઓ દ્વારા આશરે ૨૦૦૦ જેટલી નોકરી અને એપ્રેન્ટિશિપની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ ૧૨૨૮ ઉમેદવારોએ હાજરી આપી હતી, જેમાંથી ૬૮૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વેસ્પૂન, અતુલ, હુબર અને રેમન્ડ સહિતની પ્રતિષ્ઠિત કંપનીઓમાં પસંદગી પામેલા યુવાઓને રોજગાર એનાયત પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. નિમણૂક પત્રો પ્રાપ્ત થતાં યુવાનોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પસંદગી પામેલા ઉમેદવારોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં યુવાનો અને ઉદ્યોગોનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેમણે યુવાઓને નિષ્ઠાપૂર્વક કાર્ય કરી પોતાના ભવિષ્ય સાથે દેશના વિકાસમાં પણ યોગદાન આપવા અપીલ કરી હતી. તેમણે વિવિધ કંપનીઓના સ્ટોલની મુલાકાત લઈ ભરતી પ્રક્રિયાનું નિરીક્ષણ પણ કર્યું હતું.

કાર્યક્રમમાં નાયબ નિયામક (રોજગાર) સી.જે. દવે દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પણ રોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી યુવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશભાઈ પટેલ, ડેપ્યુટી ડાયરેક્ટર એમ.સી. ગોહિલ, જિલ્લા રોજગાર અધિકારી પારૂલ પટેલ, આસિસ્ટન્ટ લેબર કમિશ્નર જી.એમ. ભૂટકા, વિવિધ આઈટીઆઈના આચાર્યો, કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande