કુંભારવાડા ખાતે ડોગ હોમ શેલ્ટર, ઢોર ડબ્બા અને ABC સેન્ટર સાઇટની મુલાકાત
ભાવનગર,03 જૂન (હિ.સ.) શહેરમાં રખડતા પશુઓ અને શ્વાન સંબંધિત સમસ્યાઓના અસરકારક નિરાકરણ તેમજ પશુ કલ્યાણને વધુ સુદૃઢ બનાવવા માટે કમિશનર, મેયર, માન. ડેપ્યુટી મેયર, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, દંડક તથા સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કુંભારવાડા નજીક નિર્
ભાવનગર


ભાવનગર,03 જૂન (હિ.સ.) શહેરમાં રખડતા પશુઓ અને શ્વાન સંબંધિત સમસ્યાઓના અસરકારક નિરાકરણ તેમજ પશુ કલ્યાણને વધુ સુદૃઢ બનાવવા માટે કમિશનર, મેયર, માન. ડેપ્યુટી મેયર, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, દંડક તથા સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કુંભારવાડા નજીક નિર્માણાધીન ડોગ હોમ શેલ્ટર, ઢોર ડબ્બા અને ડોગ ABC સેન્ટર સાઇટની મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ ચાલી રહેલા કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ડોગ હોમ શેલ્ટરમાં શ્વાનો માટે રહેવા, સારવાર અને સંભાળની સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ઢોર ડબ્બાની કામગીરી, તેની ક્ષમતા અને પશુઓને સુરક્ષિત રીતે રાખવા માટેની વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ડોગ ABC સેન્ટર શહેરમાં રખડતા શ્વાનોની વસ્તી નિયંત્રણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સેન્ટરમાં શ્વાનોના નસબંધી ઓપરેશન, રસીકરણ તથા આરોગ્ય તપાસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી આયોજન અંગે અધિકારીઓએ સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત સાઇટ પર સ્વચ્છતા, સુરક્ષા, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

મુલાકાત દરમિયાન જનહિતને ધ્યાનમાં રાખીને કામની ગુણવત્તા જળવાય રહે તેમજ તમામ પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરમાં પશુ કલ્યાણ અને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ આ પ્રકારની સુવિધાઓ અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું.

આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરમાં રખડતા શ્વાનો અને પશુઓના યોગ્ય સંચાલનમાં મદદ મળશે તેમજ નાગરિકોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત શહેરી વાતાવરણ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande