
વલસાડ, 03 જૂન (હિ.સ.) : 05 જૂને ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ઉમરગામ તાલુકાના સરીગામ સ્થિત મદુરા ઇન્ડસ્ટ્રિયલ ટેક્સટાઇલ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો સંદેશ આપ્યો હતો. કંપની પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા હતા. પર્યાવરણ પ્રત્યેની સામાજિક જવાબદારી નિભાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે જીપીસીબીના અધિકારી ભદ્રેશ પટેલે પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષોના મહત્વ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વૃક્ષારોપણ અને વૃક્ષોનું જતન અત્યંત જરૂરી છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણ જાળવવા સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમમાં જીપીસીબી સરીગામના અધિકારીઓ ભદ્રેશ પટેલ, લતેશ પટેલ અને યોગેશ ચાંપાનેરી સહિત મદુરા ઇન્ડસ્ટ્રિયલ ટેક્સટાઇલના પી.બી. ચંદ્રા ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha