
નવસારી, 03 જૂન (હિ.સ.) : નવસારીના પૂર્ણેશ્વર વિસ્તારમાં નગરસેવિકા જશુબેન રાઠોડના નિવાસસ્થાન નજીક એક યુવક અને તેમના પુત્ર વચ્ચે થયેલી બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. ઘટનામાં નગરસેવિકા તેમજ તેમના પુત્રને ઈજા પહોંચી હોવાનું જણાવાયું છે. બંને ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલો હાલ જલાલપોર પોલીસના ધ્યાન પર છે અને તપાસ ચાલી રહી છે.
નગરસેવિકા પક્ષનો આક્ષેપ છે કે સ્થાનિક યુવક વિરેનપ્રસાદ શુક્લા છેલ્લા કેટલાક દિવસોથી તેમના ઘર નજીક હોબાળો મચાવી રહ્યો હતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો. આ અંગે સમજાવવા માટે તેમના પુત્ર ભૂમિત રાઠોડ યુવક પાસે ગયા હતા, પરંતુ વાતચીત દરમિયાન બંને વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો અને મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો. વચ્ચે પડેલી જશુબેન રાઠોડને પણ ઈજા થઈ હોવાનું જણાવાયું છે.
બીજી તરફ, પોલીસના જણાવ્યા અનુસાર વિરેનપ્રસાદ શુક્લાની ફરિયાદના આધારે ભૂમિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં રિક્ષા પાર્કિંગ મુદ્દે થયેલા વિવાદ દરમિયાન લોખંડના પાઇપથી હુમલો કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે નોંધાયેલી ફરિયાદમાં વડાપ્રધાન અથવા નગરસેવિકા વિરુદ્ધ અપશબ્દો બોલ્યાનો કોઈ ઉલ્લેખ નથી. હાલ નગરસેવિકા તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે