
પાટણ, 03 જૂન (હિ.સ.) : વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે 3 જૂને પાટણ રાઈડર્સ ઓફિશિયલ સાયકલિંગ ક્લબ, રોટરી ક્લબ અને એક્ટિવ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ રેલવે સ્ટેશનથી શરૂ થયેલી આ રેલી રાણકી વાવ ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં 100થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલીનો મુખ્ય હેતુ વધતા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને વિવિધ શારીરિક રોગો સામે સાયકલિંગના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે સાયકલિંગ પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણમુક્ત પરિવહનનું શ્રેષ્ઠ સાધન છે.
ધારાસભ્ય કિરીટ પટેલે આ આયોજનને સરાહનીય ગણાવતાં જણાવ્યું હતું કે સાયકલિંગથી ઇંધણની બચત થાય છે, પ્રદૂષણ ઘટે છે અને સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તેમણે નિયમિત સાયકલિંગની ટેવ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આયોજકો અને સહભાગીઓએ વધુ વૃક્ષારોપણ, સાયકલના વધતા ઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે સાયકલિંગથી વ્યક્તિગત તેમજ સામાજિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને સ્વચ્છ, હરિયાળું પર્યાવરણ જાળવવામાં મદદ મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ