
- અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ અને SOG દ્વારા અમદાવાદમાં 291માંથી 166 બાંગ્લાદેશી પકડાયા
- રાજકોટમાં 31 શંકાસ્પદ ધરપકડ, નકલી આધાર અને દસ્તાવેજ ચકાસણી બાદ ડીપોર્ટ પ્રક્રિયા શરૂ
અમદાવાદ,03 જૂન (હિ.સ.) ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 1 જૂન મોડી રાત્રે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક ઈમરજન્સી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આજથી એટલે કે 2 જૂન, 2026થી સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ લોન્ચ કરીને સાયબર ગુનેગારો વિરૂદ્ધ એક વ્યાપક મોરચો ખોલવામાં આવ્યો છે. પરંતુ સાથે સાથે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પોલીસ તંત્રએ સપાટો બોલાવ્યો છે.
અમદાવાદ અને રાજકોટમાં મોડી રાત્રે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડા જેવા વિસ્તારોમાંથી 291 શંકાસ્પદની અટકાયત કરી છે, જેમાંથી 166 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે અને અન્ય 125 લોકોના દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે.
બીજી તરફ, રાજકોટ પોલીસે પણ જુદા જુદા વિસ્તારોમાં સઘન ઝુંબેશ ચલાવીને 31 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી એકથી વધુ ઓળખપત્રો અને ભારતીય સરનેમવાળા નકલી દસ્તાવેજો મળી આવતા કાયદેસરની તપાસ અને ડીપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં 2 જૂનની મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે શહેરમાંથી 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 166 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે, હાલ અન્ય 125 લોકોની પૂછપરછ શરૂ છે. શંકાસ્પદ લોકોને ક્રાઈમ બ્રાન્ચ લાવીને આધાર પુરાવા તપાસવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બાંગ્લાદેશીઓને પકડવાની કામગીરી દરમિયાન તમામ સ્તરના અધિકારીઓ હાજર રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગરમાં આ કામગીરી હાથ ધરી હતી. તમામ શકમંદ અને પુષ્ટિ થયેલા બાંગ્લાદેશીઓને ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં રાખવામાં આવ્યા છે.
રાજકોટ પોલીસ દ્વારા મોડી રાત્રે શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવા માટે એક ખાસ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચાલેલી આ સઘન ઝુંબેશ દરમિયાન 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી કેટલાક પાસેથી એક કરતાં વધુ ઓળખપત્રો તેમજ ભારતીય સરનેમ ધરાવતા નકલી આધાર કાર્ડ પણ મળી આવ્યા છે.
હાલમાં પોલીસ દ્વારા આ તમામ શંકાસ્પદોના દસ્તાવેજોની જરૂરી વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તે પૂર્ણ થયા બાદ ગેરકાયદેસર રહેતા લોકોને ડીપોર્ટ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ