વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે પાલીતાણામાં ભવ્ય સાયકલ રેલી યોજાઈ
ભાવનગર, 03 જૂન (હિ.સ.) : વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે પાલીતાણા સાયકલ ક્લબ દ્વારા શહેરમાં ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલિંગ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાય, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા મળે તેમજ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વ્
ભાવનગર


ભાવનગર, 03 જૂન (હિ.સ.) : વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે પાલીતાણા સાયકલ ક્લબ દ્વારા શહેરમાં ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલિંગ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાય, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા મળે તેમજ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વ્યાપક બને તે હેતુથી આ રેલી યોજાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સાયકલ પ્રેમીઓ અને યુવાનો ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા.

સાયકલ રેલીનો પ્રારંભ સરદાર સર્કલ ખાતેથી કરવામાં આવ્યો હતો. રેલી સરદાર સર્કલ, બસ સ્ટેશન, આંબેડકર સર્કલ, ભૈરવનાથ સર્કલ, દાણાપીઠ, પાલીતાણા તળેટી, માનસિંહજી હોસ્પિટલ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નગરપાલિકા ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર માર્ગ દરમિયાન સાયકલ ચાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને અન્ય નાગરિકો માટે પણ પ્રેરણારૂપ બન્યા હતા.

રેલી દરમિયાન સાયકલિંગના ફાયદાઓ અંગે જનજાગૃતિ લાવવામાં આવી હતી. આયોજકો દ્વારા જણાવાયું હતું કે નિયમિત સાયકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત રહે છે, હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટે છે અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. સાથે જ સાયકલનો ઉપયોગ વધારવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે અને ઈંધણની બચત થવાથી પર્યાવરણને પણ લાભ થાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક નાગરિકોએ સાયકલ ચાલકોનું સ્વાગત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

પાલીતાણા સાયકલ ક્લબના સભ્યોએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ દ્વારા વધુને વધુ લોકોને સાયકલિંગ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. વિશ્વ સાયકલ દિવસની આ ઉજવણીમાં સાયકલ રસિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સામાજિક જાગૃતિનો અનોખો સંદેશ આપતો રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande