બોટાદના પાળિયાદ ગામે ઘન કચરા વ્યવસ્થાપન નિયમો અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
બોટાદ, 03 જૂન (હિ.સ.) : બોટાદ તાલુકાના પાળિયાદ ગામે ઘન કચરા વ્યવસ્થાપન (SWM) નિયમો-2026 તથા સર્વોચ્ચ અદાલતના આદેશોના અસરકારક અમલીકરણ માટે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને મુખ્ય સુવિધાકર્તાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્ય
ભાવનગર


બોટાદ, 03 જૂન (હિ.સ.) : બોટાદ તાલુકાના પાળિયાદ ગામે ઘન કચરા વ્યવસ્થાપન (SWM) નિયમો-2026 તથા સર્વોચ્ચ અદાલતના આદેશોના અસરકારક અમલીકરણ માટે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને મુખ્ય સુવિધાકર્તાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને કચરાના વૈજ્ઞાનિક નિકાલ અંગે જાગૃતિ લાવવાનો હતો.

આ પ્રસંગે ઉપસરપંચ, તલાટી કમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને મુખ્ય સુવિધાકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો દ્વારા SWM નિયમો-2026 હેઠળ ગ્રામ પંચાયતોની જવાબદારીઓ, કચરાના સ્ત્રોતે જ વિભાજન, ભીના અને સુકા કચરાના અલગ સંગ્રહ, રિસાયક્લિંગ તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વક્તાઓએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલત દ્વારા સમયાંતરે આપવામાં આવેલા આદેશો મુજબ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ ઘન કચરા વ્યવસ્થાપન માટે અસરકારક પગલાં ભરવા જરૂરી છે. જો કચરાનું યોગ્ય સંચાલન કરવામાં આવે તો પર્યાવરણ પ્રદૂષણમાં ઘટાડો થાય છે તેમજ જાહેર આરોગ્ય પર સકારાત્મક અસર જોવા મળે છે. કાર્યક્રમ દરમિયાન ગામમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા, ઘરઘરથી કચરાનું નિયમિત સંગ્રહ કરવા, પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવવા અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા હતા. ઉપસરપંચ અને તલાટીએ ગામના વિકાસ અને સ્વચ્છતા માટે સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અંતે ઉપસ્થિત તમામ સુવિધાકર્તાઓ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓને નિયમોના પાલન સાથે ગામને સ્વચ્છ, સુંદર અને પર્યાવરણમૈત્રી બનાવવાના સંકલ્પ સાથે કામગીરી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ ઉપસ્થિતો માટે માહિતીસભર અને માર્ગદર્શક સાબિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande