


પાટણ, 03 જૂન (હિ.સ.) : ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 19થી 21 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારા દશાબ્દી મહોત્સવના પ્રચાર માટે નીકળેલા ત્રણ આમંત્રણ રથ પૈકીનો એક રથ પાટણ શહેરમાં પહોંચતા ભક્તિમય માહોલ સર્જાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં રથના પરિભ્રમણ દરમિયાન શ્રદ્ધાળુઓએ માતાજીનું સ્વાગત કરી સમૂહ આરતી ઉતારી હતી. આ રથનો મુખ્ય હેતુ ગામે-ગામ જઈને લોકોને ઐતિહાસિક મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ આપવાનો છે.
વિશેષ રીતે સજ્જ આ રથ મદારસા ચોક, ખેતરવસી ચોક, લોટેશ્વર, લીંમડી ચોક, ઝીણી પોળ ચોક, કનાથ વાડો, પનાગર વાડા ચોક અને બળિયા પાડા ચોક સહિતના વિસ્તારોમાં ફર્યો હતો. દરેક સ્થળે ભક્તોએ ભવ્ય આરતી કરી હતી, જ્યારે રાત્રે સાંઈબાબા રોડ સ્થિત ખોડિયાર મંદિરે રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક સાઉન્ડ સિસ્ટમથી સજ્જ આ રથ મહોત્સવનો સંદેશ જનજન સુધી પહોંચાડી રહ્યો છે.
કાગવડ ખાતે યોજાનારા ત્રણ દિવસીય મહોત્સવનો પ્રારંભ 19 જાન્યુઆરીએ 1008 કુંડી મહાયજ્ઞ સાથે થશે. ચારેય દિશાઓમાંથી નીકળેલી શોભાયાત્રાઓ ખોડલધામ મંદિરે પહોંચશે, જ્યાં તેમનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવશે. બીજા દિવસે 20 જાન્યુઆરીએ મહાયજ્ઞ સાથે મહારાસનું આયોજન થશે, જેમાં વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી ભક્તો પરંપરાગત વસ્ત્રોમાં જોડાશે.
21 જાન્યુઆરીએ મહાયજ્ઞની પૂર્ણાહૂતિ, અન્નકૂટ, સામૂહિક મહાઆરતી અને ધ્વજારોહણના કાર્યક્રમો યોજાશે. અંતે વિરાટ ધર્મસભામાં ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સમાજને સંબોધિત કરશે. હાલ રથ જ્યાં-જ્યાં ફરી રહ્યો છે ત્યાં રંગોળી અને તોરણોથી તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જેના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ