
જૂનાગઢ 3 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ દ્વારા મે-૨૦૨૬ માસ દરમિયાન મુસાફરોની સુરક્ષા, નિયમોના પાલન અને સ્વચ્છતા જાળવવાના હેતુથી વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
વિભાગીય નિયામક શ્રી વી.બી.ડાંગરના જણાવ્યા મુજબ, ખાનગી વાહનો દ્વારા બિનઅધિકૃત રીતે મુસાફરોનું વહન કરવામાં આવતું હોવાનું જણાતા કુલ ૨૬ વાહનો ડિટેઇન કરી તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત ૧૧૪ વાહનચાલકોને સ્થળ પર જ મેમો ઇસ્યુ કરીને કુલ રૂ.૧,૧૩,૬૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ટિકિટ વગર મુસાફરી કરતા ૧૧ મુસાફરો ઝડપાયા હતા, જેમની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી કુલ રૂ. ૩,૬૧૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો.આ ઉપરાંત વિભાગના ૯ ડેપો ખાતે ધુમ્રપાન કરનાર તેમજ બસ અને બસ સ્ટેશન પર પાન-માવો ખાઈને પિચકારી મારી ગંદકી ફેલાવનાર કુલ ૪૨૬ વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યા હતા. તેમની પાસેથી કુલ રૂ. ૬,૨૪૫ નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને નિયમોનું પાલન કરવા, ટિકિટ મેળવી મુસાફરી કરવા તેમજ બસ અને બસ સ્ટેશન પર સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. વિભાગ દ્વારા આવા નિયમભંગ સામેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે એમ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ