
નવસારી, 03 જૂન (હિ.સ.) : નવસારીના શાંતિદેવી રોડ વિસ્તારમાં આવેલા ગોકુલ નિવાસ નામના જૂના મકાનમાં દુર્ઘટનાજનક ઘટના બની હતી. મકાનનો સ્લેબ અચાનક તૂટી પડતાં ઘરમાં આરામ કરી રહેલા ધર્મેશભાઈ ભાવસાર કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ તરત ન થતાં તેઓ લાંબા સમય સુધી કાટમાળ નીચે જ ફસાયેલા રહ્યા હતા.
આજે સવારે તપાસ દરમિયાન સ્થાનિકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. બચાવ કામગીરી હાથ ધરી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ સર્જ્યો છે.
સ્થાનિક આગેવાનો અને મહાનગરપાલિકાના પ્રતિનિધિઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મેયરે જણાવ્યું હતું કે શહેરમાં અનેક જર્જરિત મિલકતોને અગાઉ નોટિસ આપવામાં આવી છે, પરંતુ હવે માત્ર નોટિસ પૂરતી નથી અને જોખમી મકાનો સામે કડક કાર્યવાહી જરૂરી બની છે. હાલ પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અને સ્લેબ તૂટવાનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે