
નવસારી, 03 જૂન (હિ.સ.) : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે આગામી તા. 08 જૂનથી 20 જૂન, 2026 દરમિયાન નવસારી જિલ્લામાં તથા નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે જિલ્લામાં યોજાનારા ત્રિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરએ વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ અને સંબંધિત વિભાગોની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. તેમણે તમામ વિભાગોને પરસ્પર સંકલન અને ટીમભાવનાથી કાર્ય કરીને કાર્યક્રમોને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.
આ ઉજવણી અંતર્ગત મુખ્યત્વે ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં ‘પ્રગતિ પથ યાત્રા’ દ્વારા સરકારની વિકાસયાત્રા અને જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે. ‘જન કલ્યાણ શિબિર’ દ્વારા પાત્ર લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન (પ્રબુદ્ધ સંમેલન)’ દ્વારા રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા અને યોગદાન અંગે સંવાદ યોજાશે.
આ કાર્યક્રમોના ભાગરૂપે જિલ્લાભરમાં વ્યાપક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવશે તેમજ વિવિધ વિકાસકીય કાર્યોની સ્થળ પર સમીક્ષા અને મુલાકાતો યોજાશે. ઉપરાંત, ‘જન કલ્યાણ શિબિર’ દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નાગરિકોની સુવિધા અને વહીવટી સરળતા માટે આ શિબિરો દરમિયાન ‘સેવાસેતુ’ કાર્યક્રમ હેઠળ મળવાપાત્ર વિવિધ સરકારી સેવાઓ, પ્રમાણપત્રો અને દાખલાઓનો લાભ પણ અરજદારોને સ્થળ પર જ આપવામાં આવશે. આ ઉજવણીને લોકભાગીદારી આધારિત લોકઉત્સવનું સ્વરૂપ આપવા માટે જિલ્લાના પદાધિકારીઓ, વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નાગરિકો, સંતો-મહંતો, સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ, યુવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકોને આ કાર્યક્રમોમાં સહભાગી બનવા આમંત્રિત કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, અધિક કલેક્ટર વાય.બી. ઝાલા, પ્રાંત અધિકારી જનમ ઠાકોર તથા વિવિધ વિભાગોના અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે