સુરત પોલીસનું ઓપરેશન ડેલ્ટા હંટઃ વધુ 117 બાંગ્લાદેશીઓ ઝડપાયા
સુરત, 04 જૂન (હિ.સ.): શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે ફરી એકવાર સુરત પોલીસ દ્વારા ઓપરેશન ડેલ્ટા હંટ હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત ઓ
સુરત પોલીસનું ઓપરેશન ડેલ્ટા હંટઃ વધુ 117 બાંગ્લાદેશીઓ ઝડપાયા


સુરત, 04 જૂન (હિ.સ.): શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે ફરી એકવાર સુરત પોલીસ દ્વારા ઓપરેશન ડેલ્ટા હંટ હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 261 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને રાઉન્ડ અપ કર્યા હતા. આ તમામને અઠવાલાઇન્સ સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવી તેમના દસ્તાવેજોની ચકાસણી અને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જે પૈકી 40 પુરુષ, 40 મહિલા અને 37 બાળકો સહિત કુલ 117 વ્યક્તિઓ બાંગ્લાદેશના નાગરિક હોવાના પુરાવા પોલીસને મળ્યા હતા. આ અગાઉ બે વખતે હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં 331 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે ફરી વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા સુરત શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપી તેમના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાની દેખરેખમાં 100થી વધુ પોલીસ કર્મચારીઓની અલગ - અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ઉધના, ભેસ્તાન, ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા, અમરોલી અને કોસાડ સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આખી રાત ચાલેલા આ અભિયાન દરમિયાન 261 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તમામ શંકાસ્પદ લોકોના આધાર કાર્ડ, પાનકાર્ડ, વોટર આઈડી સહિતના દસ્તાવેજોની સઘન તપાસમાં 117 લોકો બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે પશ્વિમ બંગાળની સરહદ મારફતે ઘૂસણખોરી કરી આવેલા આ લોકો મોટાભાગે બોગસ દસ્તાવેજો બનાવી દેશના વિવિધ શહેરોમાં વસવાટ કરી રહ્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સુરતના ઉન, ભેસ્તાન, પાંડેસરા, ઉધના, સચિન અને અમરોલી-કોસાડ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોની સંખ્યા વધી રહી છે. ગત વર્ષે પણ આવા ઘૂસણખોરો વિરુદ્ધ વિશેષ અભિયાન હાથ ધરાયું હતું, જેના બાદ તેઓએ રહેણાંક વિસ્તારો બદલી નાંખ્યા હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બે વખત હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં 331 બાંગ્લદેશીઓને શોધી કાઢવામાં આવ્યા હતા.

પોલીસને એવી પણ માહિતી મળી છે કે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કેટલાક બાંગ્લાદેશી નાગરિકો ડ્રગ્સના વેપાર, હ્યુમન ટ્રાફિકિંગ અને દેહવ્યાપાર જેવા ગેરકાયદેસર કારોબારમાં સંડોવાયેલા હોઈ શકે છે. બાંગ્લાદેશથી યુવતીઓને રોજગારીની લાલચ આપી ભારતમાં લાવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ધકેલાતી હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી રહી છે.

ઘુસણખોરી માટે એજન્ટોનું નેટવર્ક સક્રિય

બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરાવવાથી માંડીને બોગસ દસ્તાવેજો તૈયાર કરવા સુધી એજન્ટોનું સંગઠિત નેટવર્ક કાર્યરત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ સમગ્ર નેટવર્ક અંગે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં પોલીસ દ્વારા અવૈધ રૂપે બાંગ્લાદેશીઓની ઘુસણખોરીમાં સંડોવાયેલા એજન્ટો વિરૂદ્ધ પણ ઓપરેશન હાથ ધરવામાં આવી શકે છે. જેને પગલે મોટા ભાગનાં એજન્ટ્સ અત્યારથી જ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande