
પાટણ, 04 જૂન (હિ.સ.) : પાટણ શહેરના કુબેરનગર વિસ્તારમાં 25 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે મૃતકની માતાએ નેદ્રોડાના ભરતજી ચેહુજી ઠાકોર વિરુદ્ધ પાટણ સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મૃતક સંગીતાના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા અને તેને એક પુત્ર પણ છે. દોઢ વર્ષ પહેલાં નેદ્રોડાના ભરતજી ઠાકોરે પ્રેમસંબંધ બાંધી તેને પોતાની સાથે લઈ ગયો હતો. પોલીસે એક વખત તેને શોધી કાઢી હતી, પરંતુ બાદમાં તે ફરી ભરતજી સાથે રહેવા લાગી હતી. આપઘાતના એક દિવસ પહેલાં સંગીતાએ તેના પિતાને ફોન કરીને ભરતજી દારૂના નશામાં મારઝૂડ કરતો હોવાની અને ઘરની બહાર જવા પણ ન દેતો હોવાની વાત કરી હતી. નવ મહિનાની ગર્ભવતી હોવા છતાં તેને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું તેણે જણાવ્યું હતું.
20 મે, 2026ના રોજ સંગીતાએ પોતાના રહેઠાણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરિવારજનોએ અંતિમ વિધિ બાદ 3 જૂને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભરતજી ચેહુજી ઠાકોર વિરુદ્ધ BNS કલમ 108 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ