
ગીર સોમનાથ, 04 જૂન (હિ.સ.) : આગામી સમયમાં વરસાદી ઋતુ તથા કુદરતી આપત્તિઓ સામે સમયસર સાવચેતીના પગલાં લઇ શકાય તે હેતુથી ગીર સોમનાથ કલેકટર કચેરીના ડિઝાસ્ટર શાખા દ્વારા જિલ્લાના નાગરિકોને પોતાના મોબાઈલ ફોનમાં ભારત સરકારની સત્તાવાર આપત્તિ ચેતવણી, હવામાનની સચોટ માહિતી, વીજળીની ચમક અને વરસાદની આગાહી કરતી “સચેત”, “મૌસમ” અને “દામિની” એપ્લિકેશન ડાઉનલોડ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ચોમાસાની શરૂઆત અને સંભવિત આફતો વચ્ચે આ એપ જિલ્લાના નાગરિકોના જીવન અને માલસામાનની સુરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) તથા IMD દ્વારા તૈયાર કરાયેલી આ એપનો મુખ્ય હેતુ નાગરિકોને પૂર, વાવાઝોડું, ધરતીકંપ, ભૂસ્ખલન અને વીજળી પડવી જેવી કુદરતી આપત્તિઓ વિશે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર આધારિત વહેલી ચેતવણી (Early Warning Alerts) રીઅલ-ટાઈમમાં પૂરો પાડવાનો છે.
આ ઉપરાંત, ભારતીય હવામાન વિભાગ (IMD) તરફથી રોજિંદા હવામાનના અહેવાલો અને આગામી દિવસોની સચોટ આગાહીઓ પણ ઉપલબ્ધ છે. ભાષાકીય સરળતા માટે “સચેત” એપ ગુજરાતી સહિત ભારતની 12 પ્રાદેશિક ભાષાઓમાં કાર્ય કરે છે. “મોસમ” એપ હવામાન અને પૂર્વાગાહી માટે છે. જેનાથી જિલ્લાના ખેડૂતો, પર્યટકો, વિદ્યાર્થીઓ અને વ્યવસાય ધરાવતા લોકોને ખુબ જ ઉપયોગી થશે. “દામિની” એપ વીજળીની ચમક અને વરસાદની આગાહી અંગેની સચોટ માહિતી પૂરી પાડે છે.
એપ્લિકેશનમાં આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું (Dos & Don'ts), કટોકટીના હેલ્પલાઈન નંબરો અને પ્રભાવિત વિસ્તારોના નકશા જેવી મહત્વપૂર્ણ માહિતી પણ સમાવવામાં આવી છે. આ એપને નાગરિકો પોતાના મોબાઈલ ફોનમાં ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર સર્ચ કરીને નિઃશૂલ્ક ડાઉનલોડ કરી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ