ભાવનગર મનપાની સ્વચ્છતા માટે અનોખી પહેલ, ઘેરઘેર જાગૃતિ અભિયાન
ભાવનગર, 04 જૂન (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને પર્યાવરણમૈત્રી બનાવવાના હેતુથી વિશેષ IEC (Information, Education and Communication) એક્ટિવિટી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નાગર
સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા


ભાવનગર, 04 જૂન (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને પર્યાવરણમૈત્રી બનાવવાના હેતુથી વિશેષ IEC (Information, Education and Communication) એક્ટિવિટી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નાગરિકોમાં કચરાના યોગ્ય સંચાલન અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર મુલાકાત લેવામાં આવી હતી.

મહાનગરપાલિકાની ટીમ દ્વારા લોકોને ઘેરઘેર જઈને સૂકો અને ભીનો કચરો અલગ-અલગ એકત્રિત કરવાની જરૂરિયાત અને તેના ફાયદાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ભીનો કચરો જેમ કે શાકભાજી અને ખાદ્ય પદાર્થોના અવશેષોને અલગ રાખવાથી ખાતર બનાવવા જેવી પ્રક્રિયામાં તેનો ઉપયોગ થઈ શકે છે, જ્યારે સૂકો કચરો જેમ કે પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનું રિસાયક્લિંગ કરી શકાય છે. આ રીતે કચરાનું યોગ્ય વિભાજન પર્યાવરણનું સંરક્ષણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

અભિયાન દરમિયાન નાગરિકોને ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વ્યવસ્થાનો નિયમિત ઉપયોગ કરવા, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની ટીમે પેમ્ફલેટ અને માહિતીસભર માર્ગદર્શન દ્વારા કચરા વ્યવસ્થાપન અંગે સરળ ભાષામાં સમજણ પણ આપી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ માત્ર કચરો એકત્રિત કરવાનો નથી, પરંતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. શહેરના લોકો પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને કચરાનું સ્ત્રોત સ્તરે વિભાજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ભાવનગર મહાનગરપાલિકાની આ અનોખી પહેલ સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશોને આગળ વધારવાની સાથે શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. નાગરિકોના સહયોગથી ભાવનગર શહેર સ્વચ્છતા ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande