બિહારના મુઝફ્ફરપુરમાં હોસ્પિટલમાં આગ, ચારના મોત, 20થી વધુ ગંભીર રીતે દાઝી ગયા
મુઝફ્ફરપુર, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). બિહારના મુઝફ્ફરપુર શહેરના બ્રહ્મપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની પ્રસાદ હોસ્પિટલમાં ગુરુવારે વહેલી સવારે 3 વાગ્યે સઘન સંભાળ એકમમાં અચાનક લાગેલી આગથી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. 20થી વધુ લોકો ગંભીર ર
પ્રસાદ હોસ્પિટલ, જ્યાં આગ લાગી


મુઝફ્ફરપુર, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). બિહારના મુઝફ્ફરપુર શહેરના બ્રહ્મપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની પ્રસાદ હોસ્પિટલમાં ગુરુવારે વહેલી સવારે 3 વાગ્યે સઘન સંભાળ એકમમાં અચાનક લાગેલી આગથી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. 20થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક કાંતેશ મિશ્રાએ તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, બચાવ કામગીરી ચાલી રહી છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, આગ લાગતા જ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સંબંધીઓ વચ્ચે ચીસાચીસ મચી ગઈ. સઘન સંભાળ એકમમાં હાજર દર્દીઓને બહાર કાઢવા માટે રાહત અને બચાવ દળને ઘણી જહેમત ઉઠાવવી પડી. જોતજોતામાં ધુમાડો આખી હોસ્પિટલમાં ફેલાઈ ગયો.

માહિતી મળતા જ ફાયર વિભાગની લગભગ એક ડઝન ગાડીઓ પહોંચી. અગ્નિશમન કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને હોસ્પિટલના વિવિધ વોર્ડમાં ફસાયેલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. ઘણા દર્દીઓને બારીઓ અને દરવાજા તોડીને બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ તેમને આસપાસની સુરક્ષિત હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા.

અગ્નિશમન વિભાગના અધિકારીઓ અનુસાર, સવારે લગભગ ત્રણ વાગ્યે આગ લાગવાની માહિતી મળી. ટીમ હોસ્પિટલ પહોંચી ત્યારે સઘન સંભાળ એકમ વોર્ડ ધુમાડાથી ભરેલો હતો. બચાવ અભિયાન દરમિયાન ઘણા દર્દીઓને ગંભીર સ્થિતિમાં બહાર કાઢવામાં આવ્યા.

અધિકારીઓનું કહેવું છે કે, રાહત કાર્ય દરમિયાન 20થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ઘણા દર્દીઓની હાલત ચિંતાજનક છે.

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. પ્રશાસને હોસ્પિટલ પરિસરને ઘેરીને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

અગ્નિશમન અધિકારીઓએ પણ સંકેત આપ્યો છે કે, જ્યારે તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે હોસ્પિટલનો મોટાભાગના કર્મચારીઓ ત્યાં હાજર ન હતા. આ હકીકતે હોસ્પિટલ મેનેજમેન્ટની જવાબદારી અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande