વડોદરાના જાંબુવા બ્રિજ નજીક અમદાવાદ-મુંબઈ NH પર પુત્રની નજર સામે માતાનું મોત
વડોદરા, 04 જૂન (હિ.સ.) : હમણાંથી હાઇવે ઉપર અને શહેરમાં અકસ્માતના બનવોમાં વધારો થયો છે. આવી જ એક ઘટના બુધવારે રાત્રે વડોદરાના જાંબુવા બ્રિજ નજીક હિટ એન્ડ રનની બની હતી. પુત્ર સાથે એક્ટિવા પર ફરવા નીકળેલા આંગણવાડી સુપરવાઇઝર જાગૃતિ પંડ્યાને પૂરપાટ ઝડપે
Bus crushes mother in front of son on Ahmedabad-Mumbai NH near Jambuva Bridge in Vadodara


વડોદરા, 04 જૂન (હિ.સ.) : હમણાંથી હાઇવે ઉપર અને શહેરમાં અકસ્માતના બનવોમાં વધારો થયો છે. આવી જ એક ઘટના બુધવારે રાત્રે વડોદરાના જાંબુવા બ્રિજ નજીક હિટ એન્ડ રનની બની હતી. પુત્ર સાથે એક્ટિવા પર ફરવા નીકળેલા આંગણવાડી સુપરવાઇઝર જાગૃતિ પંડ્યાને પૂરપાટ ઝડપે આવેલા લક્ઝરી બસ ચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી. જેમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પુત્રની નજર સામે જ બસના ચાલકે માતાને કચડી નાખી હતી. જેને પગલે પુત્ર સહિત પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.અકસ્માત સર્જ્યા બાદ બસ ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને પગલે કપુરાઇ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું.

મૃતકના પુત્ર સંજીવ પંડ્યાએ જણાવ્યું કે, અકસ્માત એટલો ગંભીર હતો કે મારી મમ્મી ત્યાં જ નીચે પડી ગઈ અને તેમના માથાના ભાગે ગંભીર ઈજા થઈ, માથું ફાટી ગયું હતું.

મારી મમ્મીનું ઘટનાસ્થળે જ જ મૃત્યુ થઈ ગયું. અમે તુરંત જ 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી લીધી હતી. પોલીસવાળા આવ્યા ખરા પણ અત્યાર સુધી કોઈ જ એક્શન નથી લીધા. છેલ્લા દોઢ કલાકથી મારી મમ્મીની ડેડ બોડી અહીં રસ્તા પર પડી રહી હતી. એક નહીં પણ ત્રણ-ત્રણ પી.સી.આર. વાન અહીં આવીને ઊભી હતી, તો પણ કોઈ જ કાર્યવાહી કરી નહોતી.

આટલી મોટી ઘટના બની હોવા છતાં તેઓ બીજી એમ્બ્યુલન્સ બોલાવવા માટે તૈયાર નહોતા.

કપુરાઇ પોલીસે પુત્રની ફરિયાદના આધારે અજાણ્યા લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના મકરપુરા એરફોર્સ પાછળ આવેલી હરિદર્શન પેલેસ સોસાયટીમાં રહેતા 24 વર્ષીય સંજીવ અનિલ પંડ્યાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની માતા જાગૃતિબેન તાલુકા પંચાયત કચેરી સંચાલિત આંગણવાડીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા.

બુધવારે રાત્રે જાગૃતિબેને પુત્ર સંજીવને એક્ટિવા પર ચક્કર મારવા જવાની વાત કરી હતી. બંને રાત્રે આશરે 9.15 વાગ્યે એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા. તેઓ ઘર પાછળના રસ્તે થઈને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જામ્બુવા બ્રિજ તરફ જઈ રહ્યા હતા. બાલાજી પેટ્રોલ પંપ નજીક પહોંચતા જાગૃતિબેને ઉલટી થાય છે, તેમ કહેતા જ પુત્ર સંજીવે એક્ટિવા રસ્તાની નીચે ઉભી રાખી હતી.

જાગૃતિબેન એક્ટિવામાંથી નીચે ઉતરી રસ્તા પાસે ઊભા હતા, ત્યારે રાત્રે આશરે 9.45 વાગ્યે તરસાલી બ્રિજ તરફથી આવતી એક લક્ઝરી બસના ચાલકે બસને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને જાગૃતિબેનને ટક્કર મારી હતી. જાગૃતિબેન રસ્તા પર પટકાતા તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande