
પાટણ, 04 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ વર્ષ 2000ના હત્યા કેસના મુખ્ય આરોપી લિયાકતઅલી અબ્દુલકરીમ મેવને 26 વર્ષ બાદ મધ્યપ્રદેશના મંદસૌર હાઇવે પરથી ઝડપી પાડ્યો છે. આરોપી લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને વિવિધ રાજ્યોમાં ફરાર જીવન જીવી રહ્યો હતો.
તપાસમાં સામે આવ્યું કે હરિયાણાના નૂહ જિલ્લાના છારોડા ગામનો રહેવાસી લિયાકતઅલી હાલમાં મહારાષ્ટ્રના મનમાડ નજીક ‘મેવાતી ઢાબા’ નામની હોટલ ચલાવતો હતો. LCBને બાતમી મળતા ટીમે મધ્યપ્રદેશમાં પહોંચી દિલ્હી-મુંબઈ હાઇવે પર નાકાબંધી કરી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ટ્રકમાં મુસાફરી દરમિયાન પકડી લેવામાં આવ્યો હતો. તેની વિરુદ્ધ અગાઉ કોર્ટ દ્વારા CrPC કલમ-70 હેઠળ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.
11 ઓગસ્ટ, 2000ના રોજ લિયાકતઅલીએ પોતાના ટ્રકના ખલાસી અનિલ ભવરલાલ ઠાકુરની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. ગુનો કર્યા બાદ તે ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો. હવે આરોપીને આગળની કાયદેસર કાર્યવાહી માટે શામળાજી પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ