
પાટણ, 04 જૂન (હિ.સ.)વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વારના આશીર્વાદથી ગાયત્રી પરિવાર પાટણ દ્વારા 27 મેથી 4 જૂન, 2026 દરમિયાન સાપ્તાહિક વ્યસનમુક્તિ અભિયાન યોજાયું. અભિયાનનો મુખ્ય હેતુ સમાજના તમામ વર્ગોમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
આ અભિયાન અંતર્ગત રામનગર, બગવાડા ચોક, પ્રગતિ મેદાન મેળો, ગોળશેરી, પાટણ બસ પોર્ટ, પાટણ-મહેસાણા રેલ્વે માર્ગ, ટ્રેગ મોલ કોમ્પ્લેક્સ, અણહિલ પેરન્ટ્રલ્સ કંપની, રાજપુર ITI કોલેજ તેમજ હીરાબજાર ખાતે વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને ચર્ચાઓ યોજાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન લોકોને વ્યક્તિગત રીતે મળી વ્યસનમુક્તિ પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પોસ્ટર પ્રદર્શન દ્વારા વ્યસનના દૂષણો અંગે માહિતગાર કરવામાં આવ્યા. ગાયત્રી પરિવાર પાટણની બહેનો દ્વારા તૈયાર કરાયેલ જાદુઈ ડબ્બી પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જે વ્યસન છોડવા પ્રેરણારૂપ બની શકે છે.
ભેખધારી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 17 વર્ષથી ચાલી રહેલા આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 500થી વધુ કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. યુવા મિત્રો અને બહેનોના સક્રિય સહયોગથી આ અભિયાન સફળ બન્યું હતું. ગાયત્રી પરિવાર પાટણે વધુમાં વધુ યુવાનોને વ્યસનમુક્ત સમાજના નિર્માણમાં જોડાવા અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ