ગ્રામવાટિકા, હરિત વન પથ વાવેતર, હરિયાળુ ગ્રામ યોજના થકી ગીર સોમનાથ જિલ્લાને મળી રહ્યું છે ‘હરિત કવચ’
- વર્ષ ૨૦૨૫-૨૬ વન મહોત્સવ દરમિયાન જિલ્લામાં આશરે ૧૨.૫૦ લાખ રોપાનું વિતરણ ગીર સોમનાથ 04 જૂન (હિ.સ.) : ‘ગ્રીન ગુજરાત, ક્લિન ગુજરાત'' અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાને હરિયાળુ બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગ સતત પ્રયત્નશીલ છે. વનીકરણ વિભાગ જિલ્લામાં વૃક્ષ
ગ્રામવાટિકા, હરિત વન પથ વાવેતર, હરિયાળુ ગ્રામ યોજના થકી ગીર સોમનાથ જિલ્લાને મળી રહ્યું છે ‘હરિત કવચ’


- વર્ષ ૨૦૨૫-૨૬ વન મહોત્સવ દરમિયાન જિલ્લામાં આશરે ૧૨.૫૦ લાખ રોપાનું વિતરણ

ગીર સોમનાથ 04 જૂન (હિ.સ.) : ‘ગ્રીન ગુજરાત, ક્લિન ગુજરાત' અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાને હરિયાળુ બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગ સતત પ્રયત્નશીલ છે. વનીકરણ વિભાગ જિલ્લામાં વૃક્ષ આચ્છાદિત હરિયાળુ કવચ ઉભું કરી અને કાર્બન સંયમ સાથે ટકાઉ વિકાસનો આધાર ઉભો કરી નાગરિકો તેમજ વિવિધ સંસ્થાઓને વનીકરણની પ્રવૃત્તિઓ સાથે સંગઠિત કરી અને લાભ લેવા પ્રોત્સાહિત કરતું રહ્યું છે.

ગ્રામવાટિકા, હરીત વનપથ વાવેતર, પટ્ટી વાવેતર, હરિયાળુ ગ્રામ યોજના, એગ્રો ફોરેસ્ટ્રી જેવા અનેક અભિગમથી જિલ્લાની પર્યાવરણીય અને જૈવિક વૈવિધ્યતાની સુરક્ષા અને સંવર્ધન માટે વનીકરણ વિભાગ સતત પ્રયત્નશીલ છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાને ‘હરિત કવચ’ મળી રહ્યું છે.

વનવિભાગ દ્વારા ઉછેરવામાં આવતા રોપાઓનું દર વર્ષે વન મહોત્સવ દરમિયાન જાહેર જનતા, સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલા મંડળો, ગ્રામ મંડળીઓ, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ વગેરેને વિતરણ કરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં વન મહોત્સવ દરમિયાન આશરે ૧૨.૫૦ લાખ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ફળાઉ, સુશોભિત, ઈમારતી-જલાઉ વગેરે જાતોના રોપાઓનો સમાવેશ થાય છે.

જેમ માનવ સજીવ છે એમ જ વૃક્ષો અને વનસ્પતિઓ પણ સજીવ છે. શાસ્ત્રો, વેદો અને પુરાણોમાં દર્શાવ્યા અનુસાર વૃક્ષ અને માનવજીવનનું સહઅસ્તિત્વ દાયકાઓથી ચાલ્યું આવે છે. આ સહઅસ્તિત્વનું મૂલ્ય ઓળખી ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૦૭માં ૧.૬ હેક્ટરમાં હરિહર વનની સ્થાપના કરાઈ હતી. જેમાં આશરે ૧૫,૨૬૮ રોપાઓ સાથે હરિશંકરી વન, રુદ્રાક્ષવન, સપ્તઋષિવન, પંચવલ્કલવન અને પંચવટીની સ્થાપના કરવામાં આવી છે.

જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગોની ખાતાકીય નર્સરીઓમાં તેમજ વિકેન્દ્રીત નર્સરીઓમાંથી સરકારી ધારાધોરણો અનુસાર રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. નાયબ વન સંરક્ષક ગીર સોમનાથ વન વિભાગ, રાજેન્દ્ર ભુવન રોડ, નવી કોર્ટ પાછળ, ફોરેસ્ટ કોલોની રોપા પ્રાપ્ત કરવા અને રોપા અંગેનું માર્ગદર્શન મેળવવામાં નાગરિકોને મદદરુપ થાય છે.

વૃક્ષોનું પ્રમાણ દિનપ્રતિદિન ઘટવાના કારણે તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે ત્યારે માનવજીવન બચાવવા અને અસહ્ય ગરમીથી રાહત માટે વૃક્ષારોપણ એકમાત્ર વિકલ્પ છે. દુષ્કાળ, ત્સુનામી, અનિયમિત ઋતુઓ અને તાપમાનમાં થઈ રહેલા વધારા જેવા પર્યાવરણીય પડકારોનો સામનો કરવા આપણી આસપાસ વધુમાં વધુ વૃક્ષારોપણ કરી અને પ્રકૃતિનું જતન કરી આપણી ફરજ અદા કરીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande