
વાશિંગ્ટન, નવી દિલ્હી, 04 જૂન (હિ.સ.). અમેરિકી કોંગ્રેસના નીચલા ગૃહ 'પ્રતિનિધિ સભા' (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ) એ, બુધવારે 215-208 મતોથી એક સમવર્તી પ્રસ્તાવ પસાર કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે યુદ્ધ કરવાના અધિકારો પર રોક લગાવી દીધી. મહત્વપૂર્ણ બાબત એ છે કે, ડેમોક્રેટ્સના આ પ્રસ્તાવને ચાર રિપબ્લિકન, ઓહાયોના પ્રતિનિધિ વોરેન ડેવિડસન, પેન્સિલવેનિયાના બ્રાયન ફિટ્ઝપેટ્રિક, મિશિગનના ટોમ બેરેટ અને કેન્ટુકીના થોમસ મેસીએ સમર્થન આપ્યું.
એબીસી ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાન કે તેની સેના કે સરકારના કોઈપણ ભાગ વિરુદ્ધ શત્રુતાપૂર્ણ કાર્યવાહીમાં અમેરિકી સશસ્ત્ર દળોનો ઉપયોગ ત્યાં સુધી બંધ કરી દેવો જોઈએ, જ્યાં સુધી યુદ્ધની ઘોષણા કે બળ પ્રયોગનો અધિકાર આપતો કાયદો પસાર ન થાય. પ્રતિનિધિ સભામાંથી પસાર થયેલો આ પ્રસ્તાવ હવે સેનેટમાં જશે. સેનેટ ભલે તેનું સમર્થન કરી દે, પરંતુ એક સમવર્તી પ્રસ્તાવમાં કાયદા જેટલું વજન હોતું નથી અને તેને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવતો નથી, ન તો તેના પર રાષ્ટ્રપતિના વીટોનો અધિકાર લાગુ પડે છે.
મતદાન પછી હાઉસની વિદેશી બાબતોની સમિતિના વરિષ્ઠ ડેમોક્રેટ ગ્રેગરી મીક્સે પત્રકારોને કહ્યું, કોંગ્રેસે આજે બંધારણનું પાલન કર્યું છે. ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંનેએ કહ્યું કે હવે બહુ થયું. હવે આ યુદ્ધને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. હવે રાષ્ટ્રપતિને અમેરિકી લોકોને એ જણાવવાનો સમય આવી ગયો છે કે, આપણે આ યુદ્ધમાં શા માટે સામેલ થયા.
યુદ્ધ શરૂ થયા પછી આ ચોથી વાર છે, જ્યારે હાઉસમાં ડેમોક્રેટ્સના નેતૃત્વ હેઠળના ઈરાન યુદ્ધ અધિકાર પ્રસ્તાવ પર મતદાન થયું. વોટિંગ પહેલાં સ્પીકર માઈક જોન્સને કહ્યું, મને લાગે છે કે આ સમયે પ્રશાસન અને કમાન્ડર-ઇન-ચીફ પાસેથી વાતચીત કરવાનો અધિકાર છીનવી લેવો એક ખૂબ જ ખતરનાક પગલું હશે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું કે, આ પ્રસ્તાવ છ રિપબ્લિકન સભ્યોની ગેરહાજરીને કારણે પસાર થયો છે. આ અધિકારીએ કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પ કમાન્ડર-ઇન-ચીફ તરીકે પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરતા અમારી રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે, અને સાથે જ કોંગ્રેસ પ્રત્યે સંપૂર્ણ પારદર્શક પણ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ