
ભાવનગર, 04 જૂન (હિ.સ.) : આજના સમયમાં યુવાઓ રમતગમત ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. પ્રોત્સાહક યોજનાઓ, આધુનિક તાલીમ અને ઉત્તમ સુવિધાઓના કારણે યુવાનોમાં રમત પ્રત્યેનો રસ વધ્યો છે. પરિણામે ઘણા યુવકો અને યુવતીઓ સ્થાનિક, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે. અનેક ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને વિવિધ રમતોમાં મેડલ જીતી દેશનું ગૌરવ વધારી રહ્યા છે.ક્રિકેટ, કબડ્ડી, એથ્લેટિક્સ,કુસ્તી, બેડમિન્ટન, શૂટિંગ, ચેસ સહિતની રમતોમાં યુવાનો નોંધપાત્ર સફળતા મેળવી રહ્યા છે.
મોટી પાણીયાળી ગામના યુવક કુલદીપસિંહ હાલમાં ટ્રાયથલે સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. કુલદીપસિંહ વર્ષ 2013થી રમતગમત સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેમના જણાવ્યા મુજબ, તેમના પિતાના પ્રોત્સાહનથી તેમણે પ્રથમ વખત ખેલ મહાકુંભમાં સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મળેલી સફળતાએ તેમના જીવનની દિશા બદલી નાખી. ત્યારબાદ તેમણે વિવિધ રમતોમાં રસ દાખવ્યો અને રમતગમત ક્ષેત્રે સતત આગળ વધતા રહ્યા. બાળપણમાં શરૂ થયેલો આ સફર આજે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા તરફ આગળ વધી રહ્યો છે.
સફળતા પાછળ સતત મહેનત અને શિસ્તનું મહત્વ હોય છે, જે કુલદીપસિંહના જીવનમાં સ્પષ્ટપણે જોવા મળે છે. તેઓ દરરોજ સવારે બે કલાક અને સાંજે બે કલાક નિયમિત પ્રેક્ટિસ કરે છે. દોડ, સ્વિમિંગ, શૂટિંગ તેમજ ફિટનેસ માટેની વિવિધ કસરતો દ્વારા તેઓ પોતાની ક્ષમતા વધારવામાં સતત પ્રયત્નશીલ રહે છે. રમતગમતમાં ઉત્તમ પરિણામ મેળવવા માટે શરીરની યોગ્ય કાળજી લેવી પણ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કુલદીપસિંહે છેલ્લા દોઢ વર્ષથી પોતાનું મનપસંદ આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિન્ક્સ પણ સંપૂર્ણપણે છોડી દીધાં છે.
અત્યાર સુધીમાં આ યુવક નેશનલ કક્ષાએ બે મેડલ જીતી ચૂક્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક અને સ્ટેટ લેવલે અલગ અલગ છ મેડલ જીતી ચૂકેલો છે. જેમાં ચાર ગોલ્ડ મેડલ, છ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ નો સમાવેશ થાય છે.હાલમાં નેશનલ ચેમ્પિયનશિપમાં મેળવેલી સફળતાના આધારે હવે કુલદીપસિંહને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી છે. તેઓ આગામી સમયમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે, જે માત્ર તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભાવનગર જિલ્લા માટે ગૌરવની બાબત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA