
કચ્છ, 04 જૂન (હિ.સ.) પૂર્વ કચ્છ જિલ્લામાં નશાબંધીના કાયદાનો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે ભચાઉ પોલીસ દ્વારા નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભચાઉ પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રોહિબિશન કેસોમાં જપ્ત કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને જાહેર સ્થળે નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ત્રણ કરોડ રૂપિયાથી વધુ કિંમતનો દારૂ રોડ રોલર ફેરવી નષ્ટ કરવામાં આવ્યો હતો.
પૂર્વ કચ્છ જિલ્લામાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ પ્રોહિબિશન ગુનાઓના મુદામાલના નાશ માટે કોર્ટની મંજૂરી મેળવવામાં આવી હતી. ત્યારબાદ નિર્ધારિત તારીખે ભચાઉ નજીક કરગરીયા મહાદેવ મંદિર તરફ આવેલા ગણેશટિંબા વિસ્તારના ખુલ્લા મેદાનમાં આ કામગીરી કરવામાં આવી હતી.
ભચાઉ પોલીસ સ્ટેશનના કુલ 34 અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાને રોડ રોલર હેઠળ કચડીને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા મુદામાલમાં 21,749 જેટલી વિદેશી દારૂની બોટલો, 5,231 ક્વાર્ટર બોટલો તેમજ 735 બીયરના ટીનનો સમાવેશ થતો હતો. સમગ્ર મુદામાલની કુલ અંદાજિત કિંમત રૂ. 3.03 કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
આ કામગીરી દરમિયાન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ ભચાઉ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. પોલીસ વિભાગના જણાવ્યા મુજબ ગેરકાયદેસર દારૂના વેપાર અને પરિવહન સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.
ભચાઉ પોલીસની આ કાર્યવાહી નશાબંધીના કાયદાના અસરકારક અમલ અને ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામેના સંકલ્પનું પ્રતિક માનવામાં આવી રહી છે. જિલ્લાભરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar