
કચ્છ, 04 જૂન (હિ.સ.) : વાગડ વિસ્તારમાં આરોગ્યસેવાને વધુ સશક્ત અને સુલભ બનાવવા માટે સમાજના સેવાભાવી દાતાઓના સહયોગથી અનેક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભચાઉ સ્થિત વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ અને સામખિયાળીના નવજીવન મેડિકલ વેલ્ફેર સેન્ટર ખાતે આયોજિત બે દિવસીય સન્માન સમારોહ દરમિયાન આજે આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જનહિતને સ્પર્શતી નવી સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આજે સામખિયાળી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન દર્દીઓ અને જરૂરિયાતમંદ નાગરિકોને સરળ અને નિઃશુલ્ક પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી પર્યાવરણમિત્ર ઇલેક્ટ્રિક રિક્ષા સેવા ‘વેલ્ફેર એક્સપ્રેસ’ શરૂ કરવામાં આવી હતી. આ નવી પહેલથી હોસ્પિટલ સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવતા દર્દીઓ અને વૃદ્ધોને વિશેષ લાભ મળશે. ઉપરાંત આધુનિક સુવિધાઓથી સજ્જ નવી એમ્બ્યુલન્સ સેવા પણ સમાજને અર્પણ કરવામાં આવી, જેના કારણે તાત્કાલિક સારવાર અને દર્દી પરિવહનની કામગીરી વધુ અસરકારક બનશે.
કાર્યક્રમ દરમિયાન ‘નવજીવન એક્સપ્રેસ’ નામની એરકન્ડિશન્ડ દર્દી પરિવહન સેવાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેવા દ્વારા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા તેમજ સારવાર પૂર્ણ થયા બાદ સુરક્ષિત રીતે તેમના નિવાસસ્થાને પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ બનશે. આરોગ્યસેવામાં પરિવહનની અગત્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ સેવાઓ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
આજે ભચાઉ ખાતે યોજાયેલા બીજા દિવસના કાર્યક્રમમાં આરોગ્યક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કિડની સંબંધિત ગંભીર સમસ્યાઓથી પીડાતા દર્દીઓ માટે અદ્યતન ડાયાલિસિસ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવાયું હતું. આ સુવિધા શરૂ થતાં હવે દર્દીઓને સારવાર માટે દૂરના શહેરોમાં જવાની ફરજ નહીં પડે અને પોતાના વિસ્તારમાં જ ગુણવત્તાસભર સારવાર મળી શકશે.
આ ઉપરાંત નિષ્ણાત યુરોલોજિસ્ટ ડોક્ટરોની હાજરીમાં પથરી અને પ્રોસ્ટેટની તકલીફોથી પીડાતા દર્દીઓ માટે વિનામૂલ્યે તપાસ, સારવાર અને સર્જરીની વિશેષ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેના કારણે આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને મોટી રાહત મળી હોવાનું આરોગ્ય ક્ષેત્રના આગેવાનોએ જણાવ્યું હતું.
સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, સમાજના દાતાઓ અને સેવાભાવી પરિવારોના સહયોગથી આરોગ્યસેવાના ક્ષેત્રે સતત નવી પહેલો શક્ય બની રહી છે. આ પ્રકારની સેવાઓ માત્ર સારવાર પૂરતી મર્યાદિત ન રહી માનવસેવાના વ્યાપક હેતુને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમાજ અને સંસ્થાઓ વચ્ચેનો આ સહયોગ ભવિષ્યમાં પણ આરોગ્યસેવાને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં ટ્રસ્ટના હોદ્દેદારો, આરોગ્યક્ષેત્રના નિષ્ણાતો, સામાજિક આગેવાનો, દાતાઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન માટે સંસ્થાના કાર્યકરો અને વહીવટી ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar