
કચ્છ, 04 જૂન (હિ.સ.): પૂર્વ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન કામગીરી વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને વધુ એક સફળતા મળી છે. ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબીની ટીમે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાઉ મોટરસાયકલો કબજે કરી છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં વાહનચોરી સહિતના મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના નેતૃત્વ હેઠળની ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે વણોઈવાંઢ ગામનો રહેવાસી રમેશ ભીખાભાઈ કોલી પોતાના મકાન બહાર બે શંકાસ્પદ મોટરસાયકલો રાખીને તેને વેચવાની તૈયારીમાં છે.
માહિતીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન, આરોપી મોટરસાયકલો અંગે કોઈપણ પ્રકારના કાયદેસર દસ્તાવેજો કે માલિકીના પુરાવા રજૂ કરી શક્યો નહોતો. વધુ પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે એક મોટરસાયકલ આશરે એક મહિના અગાઉ ભચાઉના નવા વિસ્તારથી પોતાના સાથીદાર હમીર મોતી કોલી સાથે મળીને ચોરી કરી હતી, જ્યારે બીજી મોટરસાયકલ તેને હમીર મોતી કોલીએ આપી હતી.
આ કબૂલાતના આધારે પોલીસે બંને મોટરસાયકલો કબજે કરી આરોપીની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં, કબજે કરાયેલા બે હિરો કંપનીના મોટરસાયકલોની કુલ કિંમત અંદાજે રૂ. 75 હજાર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને વધુ તપાસ અને કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે.
પોલીસે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રમેશ ભીખાભાઈ કોલી (ઉંમર 29 વર્ષ), રહેવાસી વણોઈવાંઢ, તાલુકો રાપર તરીકે કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી હમીર મોતી કોલી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા તેમની ટીમના સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી. પોલીસની આ કામગીરીથી વાહનચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને ગુનાખોરી સામે પોલીસની સક્રિય કામગીરી વધુ એક વખત સામે આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar