કચ્છમાં પ્રથમવાર ગોવંશ કલ્યાણ માટે મહાયજ્ઞનું આયોજન, મહાયજ્ઞમાં ગુંજશે વેદમંત્રો અને ગૌમહિમાનો સંદેશ
કચ્છ, 04 જૂન (હિ.સ.) : કચ્છની ધરતી પર ગૌસેવા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતાનો અનોખો સંગમ સર્જતો એક વિશિષ્ટ ધાર્મિક મહોત્સવ પ્રથમવાર યોજાવા જઈ રહ્યો છે. ગાયના કલ્યાણ અને પ્રકૃતિના રક્ષણના પવિત્ર હેતુ સાથે આયોજિત થનારો “શ્રી વેદલક્ષણા ગો યાગ” આ
ગૌ મહાયજ્ઞ અંગે પત્રકાર પરિષદ


કચ્છ, 04 જૂન (હિ.સ.) : કચ્છની ધરતી પર ગૌસેવા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતાનો અનોખો સંગમ સર્જતો એક વિશિષ્ટ ધાર્મિક મહોત્સવ પ્રથમવાર યોજાવા જઈ રહ્યો છે. ગાયના કલ્યાણ અને પ્રકૃતિના રક્ષણના પવિત્ર હેતુ સાથે આયોજિત થનારો “શ્રી વેદલક્ષણા ગો યાગ” આગામી ૮ જૂન સુધી કેરા-મુન્દ્રા માર્ગ પર આવેલી ગૌશાળામાં ભવ્ય રીતે યોજાશે. આ આયોજન માત્ર ધાર્મિક વિધિ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ ગૌસંવર્ધન, પર્યાવરણ જાગૃતિ અને સમાજના વિવિધ વર્ગોને એકત્રિત કરતું પ્રેરણાદાયી કેન્દ્ર બનશે. જે અંગે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિશાળ આયોજન ગૌસેવા માટે કાર્યરત સંસ્થાઓ અને સેવાભાવી પરિવારોના સહયોગથી સાકાર થઈ રહ્યું છે. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ ગોવંશના સંરક્ષણ અને વિકાસ સાથે કુદરતી સંતુલન જાળવવાનો છે. સાથે જ લંપી જેવા રોગચાળામાં મૃત્યુ પામેલા ગોવંશના આત્મકલ્યાણ માટે પણ વિશેષ પ્રાર્થનાઓ અને વૈદિક વિધિઓ કરવામાં આવશે.

યજ્ઞ દરમિયાન પ્રતિદિન વેદમંત્રોના પવિત્ર ઉચ્ચાર સાથે ગો સુક્ત અને ચતુર્વેદ પારાયણનું આયોજન કરવામાં આવશે. વિદ્વાન બ્રાહ્મણો અને ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાનારી આ વૈદિક વિધિઓ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત બનાવશે. યજ્ઞના મુખ્ય આચાર્ય તરીકે જાણીતા કથાકાર અને ગૌભક્ત વિદ્વાન શાસ્ત્રી જયદીપભાઈ વ્યાસ સેવા આપશે.

આ આયોજનની સૌથી વિશેષ બાબત એ છે કે યજ્ઞમાં યજમાન તરીકે એવા પરિવારોને સ્થાન આપવામાં આવ્યું છે જેઓ ગાયોને પોતાના પરિવારના સભ્યની જેમ સાચવે છે. માલધારી સમાજ ઉપરાંત અનુસૂચિત વર્ગના પરિવારોને પણ નિઃશુલ્ક રીતે યજ્ઞમાં જોડાવાની તક આપવામાં આવી છે. આયોજકોના જણાવ્યા મુજબ આ પહેલ સમાજમાં સમરસતા અને એકતાનો સશક્ત સંદેશ આપશે. યજ્ઞમાં ભાગ લેનાર યજમાનો સાત દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરશે અને તમામ પ્રકારના વ્યસનોથી દૂર રહી ધાર્મિક નિયમોનું અનુસરણ કરશે.

પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમને પ્લાસ્ટિકમુક્ત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યજ્ઞમંડપનું નિર્માણ પરંપરાગત પદ્ધતિ મુજબ વાંસ અને લાકડાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે, જેમાં લોખંડનો ઉપયોગ પણ ટાળવામાં આવ્યો છે. આમંત્રણ માટે કાગળનો વ્યય અટકાવવા સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્યમોનો જ સહારો લેવામાં આવ્યો છે.

યજ્ઞ દરમિયાન આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. રસોઈમાં દેશી ગાયમાંથી પ્રાપ્ત થતું ઘી, દૂધ, દહીં અને છાશનો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે અનાજ પણ ગાય આધારિત કુદરતી ખેતીમાંથી મેળવવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભજનસંધ્યા, ગૌમહિમા દર્શન સંમેલન અને વિશેષ ગોસભાનો સમાવેશ થાય છે.

યજ્ઞસ્થળની આસપાસ સાત દિવસ સુધી હજારો ગાયોનું સાંનિધ્ય રહેશે. કચ્છના વિવિધ વિસ્તારોમાંથી આવેલા માલધારી પરિવારો દ્વારા આશરે ચાર હજાર જેટલી ગાયો અહીં લાવવામાં આવશે, જેના દર્શન શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ગોબરથી લીંપણ કરાયેલી પવિત્ર ભૂમિ પર યજ્ઞની પ્રદક્ષિણા કરવાનું પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાનું જણાવાયું છે.

આ સમગ્ર કાર્યક્રમમાં સંતો-મહંતો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, ગૌસેવા સંસ્થાઓ તેમજ કચ્છભરના ગોપ્રેમીઓને સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ગૌસેવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવતો આ મહાયજ્ઞ કચ્છના ધાર્મિક અને સામાજિક ઇતિહાસમાં એક યાદગાર અધ્યાય સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande