


કચ્છ, 04 જૂન (હિ.સ.) : શીરવા ગામમાં સરકારી જમીન પર વર્ષોથી જમાવાયેલા ગેરકાયદે કબજાઓ સામે આજે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. લાંબા સમયથી ચાલતા અનધિકૃત દબાણોને દૂર કરવા માટે હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન સરકારી તથા નવા ગામતળની જમીન પર કરવામાં આવેલા ચાર અલગ-અલગ કબજાઓ દૂર કરવામાં આવ્યા હતા. આજની આ કાર્યવાહીથી આશરે એક હજાર ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન દબાણમુક્ત બની છે.
તંત્ર દ્વારા અગાઉ કરવામાં આવેલી કાનૂની પ્રક્રિયા અને નોટિસોના અનુસંધાને કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકારી સર્વે નંબર 412ની જમીન પર વર્ષો પહેલાં ઉભા કરાયેલા પાકા રહેણાંક મકાન અને વરંડા સહિતના બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ કબજો અંદાજે પાંત્રીસ વર્ષથી યથાવત રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જમીનની જંત્રી કિંમત તથા દંડની રકમ પણ અગાઉ નક્કી કરવામાં આવી હતી.
આ ઉપરાંત નવા ગામતળ વિસ્તારની જમીન પર ઉભી કરાયેલી દુકાન અને રહેણાંક મકાન સહિતના ગેરકાયદે બાંધકામો સામે પણ આજે કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્રએ સ્પષ્ટ કર્યું હતું કે જાહેર હિતની જમીન પર કોઈપણ પ્રકારનું અનધિકૃત બાંધકામ અથવા કબજો સહન કરવામાં આવશે નહીં. કાર્યવાહી દરમિયાન અન્ય એક પાકા રહેણાંક મકાનનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા મુજબ, તમામ દબાણો મળીને આશરે એક હજાર ચોરસ મીટર જેટલા વિસ્તારને આવરી લેતા હતા. જંત્રી મૂલ્યાંકન મુજબ આ જમીનની કુલ કિંમત લાખો રૂપિયામાં થાય છે, જ્યારે ગેરકાયદે કબજાઓ બદલ દંડની નોંધપાત્ર રકમ પણ નક્કી કરવામાં આવી હતી.
દિવસભર ચાલેલી આ કાર્યવાહીને સફળ બનાવવા માટે માંડવી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સતત સ્થળ પર હાજર રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
શીરવામાં હાથ ધરાયેલી આ કાર્યવાહી બાદ સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવી બેઠેલા અન્ય દબાણકારોમાં પણ ચિંતા વ્યાપી છે. તંત્રના આ કડક પગલાંને સરકારી સંપત્તિના સંરક્ષણ અને જાહેર હિત માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે પણ આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે અને ભવિષ્યમાં આવા દબાણો સામે વધુ સખત કાર્યવાહી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar