
મહેસાણા, 04 જૂન (હિ.સ.) વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ઉદેલા ગામે પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામના રહેણાંક વિસ્તારોમાં ઘન કચરા અને પ્રવાહી કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનોને ઘન અને પ્રવાહી કચરાના કારણે પર્યાવરણ તથા આરોગ્ય પર થતી અસર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ ઘરઆંગણે જૈવિક કચરાના નિકાલ માટે કમ્પોસ્ટ પીટના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત કચરાના અલગકરણ માટે સેગ્રિગેશન શેડની ઉપયોગિતા અને તેના લાભો વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
અધિકારીઓ અને કાર્યકરોએ લોકોને સૂકો અને ભીનો કચરો અલગ રાખવાની તેમજ ગામમાં સ્વચ્છતા જાળવવા માટે સહભાગી બનવાની અપીલ કરી હતી. કચરાનો યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવે તો પર્યાવરણનું સંરક્ષણ અને સ્વચ્છતા બંને જાળવી શકાય છે તે અંગે પણ સમજાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સ્વચ્છ તથા હરિયાળું ગામ બનાવવાના સંકલ્પ સાથે પર્યાવરણ જાળવણીમાં પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR