
મહેસાણા, 04 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લા પેરોલ-ફર્લો સ્કોડે સાંથલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા મહિલા આરોપીની ધરપકડ કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્કોડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે મળેલી બાતમી મુજબ સાંથલ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 406 અને 420 હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી જશીબેન વા/ઓ નરેશભાઈ ઉર્ફે રમેશભાઈ સોલંકી (ઉ.વ. 56) અમદાવાદ ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. બાતમીના આધારે પોલીસ ટીમે અમદાવાદમાં દરોડો પાડી આરોપીની ઓળખની ખાતરી કર્યા બાદ તેને ઝડપી પાડી હતી.
ધરપકડ બાદ મહિલા આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સાંથલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી હતી. આરોપી સામે આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર કામગીરીમાં PSI કે.જી. ચૌધરી, ASI દિનેશજી મલાજી, PC રવિકુમાર સેવંતીભાઈ, PC હિતેષકુમાર સુરેશકુમાર અને PC સંજયભાઈ લાખાભાઈ સહિત પેરોલ-ફર્લો સ્કોડના કર્મચારીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR