
મહેસાણા, 04 જૂન (હિ.સ.)મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં આઈકોનિક રોડ્સના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ માર્ગોને માત્ર વાહનવ્યવહાર માટે જ નહીં પરંતુ નાગરિકોને વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત શહેરી વાતાવરણ પૂરો પાડવાના હેતુથી વિકસાવવામાં આવી રહ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત રોડ પર સુવિધાજનક પાર્કિંગ વ્યવસ્થા, આધુનિક બેઠક વ્યવસ્થા, અદ્યતન સ્ટ્રીટ લાઈટિંગ સહિતની વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત માર્ગોની સુંદરતા અને ઉપયોગિતા બંનેમાં વધારો થાય તે માટે આયોજનબદ્ધ રીતે વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રોજેક્ટ “Complete Street Concept” હેઠળ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જેમાં વાહનચાલકો ઉપરાંત રાહદારીઓ, વરિષ્ઠ નાગરિકો અને અન્ય નાગરિકોની જરૂરિયાતોને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. પરિણામે શહેરના માર્ગો વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સૌ માટે ઉપયોગી બનશે.
મહાનગરપાલિકાના આ પ્રયાસથી શહેરના માળખાકીય વિકાસને નવી દિશા મળશે અને નાગરિકોને આધુનિક શહેરી સુવિધાઓનો લાભ મળશે. આઈકોનિક રોડ્સના નિર્માણથી મહેસાણાની શહેરી છબી વધુ આકર્ષક બનશે તેમજ શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR