
મહેસાણા, 04 જૂન (હિ.સ.)મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાણીના સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદ (પરા) તળાવ નજીક આધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસ.ટી.પી.)નું નિર્માણ કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરમાંથી એકત્રિત થતા ગંદા પાણીનું વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધિકરણ કરવામાં આવશે. શુદ્ધ થયેલા પાણીનો ઉપયોગ રોડ ડિવાઇડર અને જાહેર બગીચાઓની જાળવણી, ગટર લાઇનની સફાઈ તેમજ વિવિધ બાંધકામ કાર્યોમાં કરવામાં આવશે. આથી તાજા પાણી પરનો ભાર ઘટશે અને પાણીના સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ શક્ય બનશે.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ શહેરમાં સુદૃઢ જળ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ગંદા પાણીના પુનઃઉપયોગથી પાણીની બચત ઉપરાંત પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થા ઊભી કરવામાં પણ મદદ મળશે.
શહેરના વિકાસ સાથે વધતી જતી પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલો આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ બનશે. પાણીના સંરક્ષણ, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી આ પહેલને શહેર માટે એક સકારાત્મક અને દૂરંદેશી પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR