
મહેસાણા, 04 જૂન (હિ.સ.)ચોમાસાની સીઝન પૂર્વે મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને જનજાગૃતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા કુકરવાડા વિસ્તારમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લા પંચાયતના એન.વી.બી.ડી.સી.પી. (National Vector Borne Disease Control Programme) અંતર્ગત કુકરવાડા-1 અને કુકરવાડા-2ના એમ.પી.એચ.ડબલ્યુ. કર્મચારીઓ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.
આ અભિયાન હેઠળ ફેક્ટરીઓ, ટાયર પંક્ચરની દુકાનો તેમજ ભંગારના વેપારીઓના સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સ્થળોએ વરસાદી પાણી ભરાઈ રહેવાની સંભાવના હોવાથી મચ્છરોની ઉત્પત્તિ ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સંબંધિત સંચાલકોને લેખિત નોટિસ આપી સ્વચ્છતા જાળવવા અને પાણીનો ભરાવો ન રહે તેની ખાસ કાળજી લેવા સૂચના આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો થવાની શક્યતા રહેતી હોવાથી અગાઉથી જ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
પીએચસી સોખડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીનો મુખ્ય હેતુ મચ્છરોના પ્રજનન સ્થળોનો નાશ કરી રોગચાળાને અટકાવવાનો અને જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR