
મહેસાણા, 04 જૂન (હિ.સ.)ખેરાલુ વિધાનસભા વિસ્તારના ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મહેસુલ સંબંધિત કામગીરીમાં મોટી રાહત મળે તે માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ખેરાલુ, સતલાસણા અને વડનગર તાલુકા માટે અલગથી સ્વતંત્ર જમીન દફતર (સીટી સર્વે) કચેરીને મંજૂરી આપી છે.
આ નિર્ણયથી હવે આ ત્રણેય તાલુકાના લોકોને જમીન સંબંધિત વિવિધ કામો માટે મહેસાણા સુધી ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. સ્થાનિક સ્તરે જ જમીન માપણી, રી-સર્વે, જમીનના નકશા, વાંધા અરજીઓના નિકાલ તેમજ જમીનના હિસ્સા અને વહેંચણી સંબંધિત પેન્ડિંગ કામોનું ઝડપી નિરાકરણ થઈ શકશે.
સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા લાંબા સમયથી આ પ્રકારની કચેરીની માંગ કરવામાં આવી રહી હતી. સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને લઈને આ મંજૂરી આપવામાં આવતા ખેડૂતો અને જમીનધારકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
નવી સીટી સર્વે કચેરી શરૂ થતાં મહેસુલ વિભાગની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે અને જમીન સંબંધિત પ્રશ્નોના ઝડપી ઉકેલથી લોકોનો સમય તેમજ ખર્ચ બંનેમાં બચત થશે. આ નિર્ણયને ખેરાલુ, સતલાસણા અને વડનગર વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR