



પોરબંદર, 04 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકામાં લાંબા સમયથી વિવિધ શાખાઓમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા ત્રણ કર્મચારીઓ વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતા તેમના માન-સન્માન અને સેવાકીય યોગદાનની કદરરૂપે નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નિવૃત્ત થતા કર્મચારીઓના વર્ષો સુધીના સમર્પિત સેવા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના મેયર સાગર મોદીના અધ્યક્ષસ્થાને તથા મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં એકાઉન્ટ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ આર. શિયાળ, માર્કેટ શાખામાં છેલ્લા 40 વર્ષથી ક્લાર્ક તરીકે સેવા આપતા રમેશભાઈ જે. વાંદરીયા તેમજ મહેકમ શાખામાં 40 વર્ષથી સેવક તરીકે ફરજ બજાવતા બચુભાઈ રાયચુરાને નિવૃત્તિ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ નિવૃત્ત કર્મચારીઓની વર્ષો સુધીની નિષ્ઠા, પ્રામાણિકતા અને ફરજનિષ્ઠાની પ્રશંસા કરી હતી. સરકારી સેવામાં કર્મચારીઓની જવાબદારી માત્ર વહીવટી કામગીરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ નાગરિકોને ગુણવત્તાસભર સેવાઓ પહોંચાડવામાં પણ તેમનો મહત્વનો ફાળો રહે છે. નિવૃત્ત થતા કર્મચારીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન મહાનગરપાલિકાના વિકાસ અને જનસેવાના અનેક કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ પ્રસંગે નિવૃત્ત થતા ક્લાર્ક અશોકભાઈ આર. શિયાળે પોતાના લાંબા સેવાકાળ દરમિયાનના અનુભવો અને સંસ્મરણોને વાગોળ્યા હતા. તેમણે સહકર્મચારીઓ, અધિકારીઓ અને મહાનગરપાલિકા પરિવાર દ્વારા મળેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મેયર સાગરભાઈ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના કર્મચારીઓ શહેરના વિકાસ અને જનસેવાના કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નિવૃત્ત થતા કર્મચારીઓએ વર્ષો સુધી નિષ્ઠા અને સમર્પણ સાથે કામગીરી કરીને સંસ્થાની પ્રતિષ્ઠા વધારી છે, જે બદલ તેઓ અભિનંદન અને શુભેચ્છાના અધિકારી છે. તેમણે નિવૃત્ત જીવન માટે ત્રણેય કર્મચારીઓને શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત કર્મચારીઓને પુષ્પહાર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમની સેવાઓની કદરરૂપે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, વિવિધ શાખાઓના અધિકારીઓ, કર્મચારીઓ તથા મહાનગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya