
વલસાડ,04 જૂન (હિ.સ.) વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગરને વર્ષભર લીલોછમ રાખવાના સંકલ્પ સાથે 70 વર્ષીય રતિલાલ કાકા છેલ્લા 15 વર્ષથી નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. સ્થાનિકોમાં તેઓ આજે ટ્રી મેન તરીકે જાણીતા બન્યા છે.
રતિલાલ કાકા માત્ર વૃક્ષારોપણ જ કરતા નથી, પરંતુ ડુંગર પર વાવેલા છોડનું સંતાન સમાન જતન પણ કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે અન્ય ઋતુઓ, તેઓ જાતે પાણીની બોટલો અને ડોલ લઈને ડુંગર પર ચઢી વૃક્ષોને પાણી પિવડાવે છે અને તેની સંભાળ રાખે છે.
તેમના સતત પ્રયત્નોના પરિણામે પારનેરા ડુંગર પર અનેક વૃક્ષો વિકસ્યાં છે, જેના કારણે પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળ્યું છે. વૃદ્ધાવસ્થામાં પણ તેમની કાર્યનિષ્ઠા અને પર્યાવરણ પ્રત્યેની લાગણી સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
રતિલાલ કાકાનો એકમાત્ર ધ્યેય છે કે પારનેરા ડુંગર વર્ષના બારેય મહિના હરિયાળું અને કુદરતી સૌંદર્યથી છલકાતું રહે. તેમની આ હરિત યાત્રાને સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓ દ્વારા પણ બિરદાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha