વડાપ્રધાન મોદીના દમણ પ્રવાસને લઈ ટ્રાફિકમાં ફેરફાર, અનેક માર્ગો પર વાહનવ્યવહાર રહેશે પ્રતિબંધિત
દમણ, 04 જૂન (હિ.સ.) તા. 5 જૂન, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દમણ પ્રવાસ તથા નાની દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા જાહેર કાર્યક્રમને ધ્યાનમાં રાખી દમણ પોલીસે વિશેષ ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. કાર્યક્રમ દરમિયાન મો
દમણ પોલીસ


દમણ, 04 જૂન (હિ.સ.) તા. 5 જૂન, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દમણ પ્રવાસ તથા નાની દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા જાહેર કાર્યક્રમને ધ્યાનમાં રાખી દમણ પોલીસે વિશેષ ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેવાની સંભાવના હોવાથી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે કેટલાક મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ મશાલ ચોકથી ભેંસલોર ચાર રસ્તા, નાની બસ સ્ટેન્ડથી વડ ચોકી રોડ, કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનથી મશાલ ચોક, મશાલ ચોકથી તીન બત્તી, તીન બત્તીથી મારવાડ, નમો પથ તેમજ ચપ્પલી શેરીથી ધોબી તળાવ સુધીના માર્ગો પર કાર્યક્રમ પૂર્ણ ન થાય અને વીવીઆઈપીનો પ્રસ્થાન ન થાય ત્યાં સુધી સામાન્ય વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. જોકે આવશ્યક અને ઇમરજન્સી સેવા વાહનોને છૂટ આપવામાં આવશે.

દમણ પોલીસે નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા, સમયસર મુસાફરીનું આયોજન કરવા તથા ટ્રાફિક પોલીસના સૂચનોનું પાલન કરવા અપીલ કરી છે. પ્રતિબંધિત વિસ્તારોમાં રસ્તા પર વાહનો પાર્ક ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.

કાર્યક્રમમાં હાજરી આપવા આવનારા લોકો માટે અલગ-અલગ વિસ્તારોમાંથી આવતી બસો માટે નિર્ધારિત રૂટ અને પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ બસોને નિર્ધારિત માર્ગો અને પાર્કિંગ સ્થળોનો જ ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.

આમંત્રિત મહેમાનો અને અધિકારીઓને કોલી પટેલ સમાજ હોલના પાર્કિંગ વિસ્તારમાં વાહનો પાર્ક કરવા જણાવાયું છે. જ્યારે કાર અને દ્વિચક્રી વાહન લઈને આવનારા લોકોને પણ કોલી પટેલ સમાજ પાર્કિંગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

પોલીસે તમામ હાજર રહેનારાઓને સુરક્ષા તપાસ અને ટ્રાફિક પ્રતિબંધોને ધ્યાનમાં રાખી સમય પહેલાં કાર્યક્રમ સ્થળે પહોંચવાની અપીલ કરી છે. ખાસ કરીને વી.આઈ.પી. આમંત્રિતોને સાંજે 4:30 વાગ્યા પહેલાં તેમના ફાળવેલા ઝોનમાં બેસી જવા જણાવાયું છે. ત્યારબાદ પ્રવેશ મર્યાદિત કરવામાં આવશે.

દમણ પોલીસે કાર્યક્રમ સફળતાપૂર્વક અને સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે નાગરિકોના સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande