


પોરબંદર, 04 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના અંતર્ગત સ્વનિધિ મહોત્સવનો પ્રારંભ ઝુરીબાગ પાણીના ટાકા પાસે કૈલાશ ગેરેજ વાળી ગલી ખાતે યોજાયેલા વિશેષ કેમ્પથી કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના મેયરશ સાગર મોદીની સૂચના અને કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વોર્ડ નં.10 અને 11 માં વસવાટ કરતા શેરી ફેરીયાઓને યોજનાના વિવિધ લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ મળતી બિનજામીનદારી વર્કિંગ કેપિટલ લોન, રૂ-પે ક્રેડિટ કાર્ડ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેના કેશબેક ઇન્સેન્ટિવ તેમજ સ્વનિધિ સે સમૃદ્ધિ અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. લાભાર્થીઓને લોન માટેની અરજી પ્રક્રિયા, સમયસર ચુકવણીના લાભો અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન અંગે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એફ.એલ.સી. ઝાહિદ ખોખર દ્વારા નાણાકીય સાક્ષરતા, બચતની આદતો, સુરક્ષિત બેંકિંગ વ્યવહારો તેમજ વધતા જતા સાયબર ફ્રોડથી બચવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ મહાનગરપાલિકાના એનયુએલએમના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી દ્વારા ઉપસ્થિત શેરી ફેરીયાઓને પી.એમ. સ્વનિધિ યોજના, ક્રેડિટ કાર્ડ સુવિધા, વ્યાજ સબસિડી તથા વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને લાભાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની એનયુએલએમ શાખા દ્વારા આગામી એક મહિના દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવા કેમ્પો યોજી વધુમાં વધુ શેરી ફેરીયાઓને યોજનાનો લાભ પહોંચાડવા તથા તેમને આત્મનિર્ભર બનાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે. આ તકે મહાનગરપાલિકાના કોર્પોરેટર ક્રિષ્નાબેન અનિલભાઈ કોટીયા, મિલનભાઈ મસાણી, હેતલબેન સાણથરા, આશિષભાઈ વાઘ, સોનલબેન, અગ્રણી લીલાબેન મોતીવરસ, મહાનગરપાલિકાના એન યુ એલ એમ પ્રોજેક્ટના કોડીનેટર મનીષાબેન ચાંચિયા, અલ્પા બેન મકવાણા તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya