ચોમાસા પૂર્વે તૈયારીઓ સઘન બનાવો, સરકારી કાંસ પરના દબાણો તાત્કાલિક દૂર કરો : પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ
વલસાડ, 04 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી તથા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રિ-મોન્સુન અને વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચોમાસા દરમિયાન સામાન્ય જનતાને કોઈ મ
વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ


વલસાડ, 04 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી તથા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રિ-મોન્સુન અને વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચોમાસા દરમિયાન સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

પ્રભારી મંત્રીશ્રીએ સરકારી કાંસ અને પાણીના નિકાલના માર્ગો પર થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવા ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વરસાદી પાણીના ભરાવાને અટકાવવા અને જનજીવન પ્રભાવિત ન થાય તે માટે સમયસર કામગીરી કરવી જરૂરી છે. ખાસ કરીને શાળાઓ શરૂ થવાના સંદર્ભમાં વિદ્યાર્થીઓને અવરજવર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે શિક્ષકો અને વાલીઓને પણ સતર્ક રાખવા સૂચન કરાયું હતું.

મંત્રીશ્રીએ ડૂબાઉ વિસ્તારોમાં ચેતવણી બોર્ડ લગાવવા, હોમગાર્ડ જવાનોની તૈનાતી કરવા તેમજ વીજ વિભાગ દ્વારા કર્મચારીઓને જરૂરી તાલીમ આપવાની પણ સૂચના આપી હતી. ઉપરાંત રસ્તા, આવાસ, પંચાયત ઘર અને આંગણવાડી સહિતના વિકાસ કાર્યો ચોમાસા પહેલાં પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો.

બેઠક દરમિયાન વિવિધ વિભાગો દ્વારા પ્રિ-મોન્સુન તૈયારીઓ અને વિકાસ કાર્યો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વાપી મહાનગરપાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande