
પાટણ, 04 જૂન (હિ.સ.) : ગુજરાત સરકારના ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ હેઠળ ઐતિહાસિક પાટણ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર શહેરમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે, જેના કારણે વીજ થાંભલાઓ અને ખુલ્લા વાયરોનો અંત આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મિશનને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના શહેરોને વધુ સ્માર્ટ, સુંદર અને સુરક્ષિત બનાવવાના હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) દ્વારા પાટણમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે, જે આગામી 20મી તારીખ સુધી સરકારને મંજૂરી માટે મોકલવામાં આવશે.
પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે UGVCLના અધિકારીઓ અને પાટણ નગરપાલિકા વચ્ચે બેઠક યોજાઈ હતી. અંડરગ્રાઉન્ડ કેબલિંગ સાથે નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટ વ્યવસ્થાને પણ સંકલિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પાટણ શહેર વધુ સ્વચ્છ, સુંદર અને સુરક્ષિત બનશે. ચોમાસામાં વાયર તૂટવા, શોર્ટ સર્કિટ અને કરંટ લાગવાના અકસ્માતોમાં ઘટાડો થશે તેમજ વીજ પુરવઠાની વિશ્વસનીયતા વધશે.
રાજ્ય સરકારે આ મિશનના પ્રારંભિક તબક્કા માટે રૂ. 500 કરોડની જોગવાઈ કરી છે. આ પહેલ પાટણને આધુનિક, સ્માર્ટ અને ભવિષ્યલક્ષી શહેર તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ