
પાટણ, 04 જૂન (હિ.સ.) : પાટણ શહેરના મોતીશા દરવાજા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય રોઝીનાબેને પોતાના પતિ સહિત પાંચ સાસરીયાઓ વિરુદ્ધ પાટણ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે શારીરિક અને માનસિક ત્રાસ, દહેજની માંગણી તથા પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોના ગંભીર આક્ષેપો કર્યા છે. રોઝીનાબેનના લગ્ન 18 ફેબ્રુઆરી 2024ના રોજ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામના અકબરહુસેન કાસમભાઈ સુથાર સાથે થયા હતા. શરૂઆતના ત્રણ મહિના સુખમય રહ્યા બાદ સાસુ, જેઠાણી, સસરા અને જેઠ દ્વારા ઘરકામના બહાને તેમને સતત મેણા-ટોણા અને ત્રાસ આપવામાં આવતો હતો.
આરોપ છે કે સસરા અને જેઠે દહેજમાં એ.સી. લાવવાની માંગણી કરી અને “તારા બાપે કંઈ આપ્યું નથી” કહી અપમાન કર્યું હતું. બાદમાં પતિએ પણ પરિવારનો પક્ષ લઈ રોઝીનાબેનને ગાળો આપી પિયર મોકલી દીધા હતા. પછી પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધોની જાણ થતા વિરોધ કરવા પર તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
લાંબા સમય સુધી સમાધાનના પ્રયત્નો નિષ્ફળ જતા અંતે રોઝીનાબેને પતિ અકબરહુસેન, સસરા કાસમભાઈ, સાસુ હુસૈનાબેન, જેઠ હસનઅબ્બાસ અને જેઠાણી મહેરફાતેમા વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તથા દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ