


પોરબંદર, 04 જૂન (હિ.સ.)પોરબંદર ટ્રાફિક શાખા દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે માધવપુર હાઈવે પર પદયાત્રીઓને ટ્રાફિક નિયમો અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ટ્રાફિક શાખાના પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે. એન. અઘેરા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નરવાઈ માતાના મંદિર નજીક ઉના તાલુકાના વાસોદ ગામથી પગપાળા દ્વારકા જતાં યાત્રાળુઓનો સંઘ જોવા મળ્યો હતો. આ દરમિયાન યાત્રાળુઓ રોડની ડાબી બાજુ ચાલતા હોવાનું ધ્યાનમાં આવતા તેમને ટ્રાફિક સુરક્ષા અંગે જરૂરી સમજ આપવામાં આવી હતી.યાત્રાળુઓને સમજાવવામાં આવ્યું હતું કે પગપાળા યાત્રા દરમિયાન હંમેશા રોડની જમણી બાજુએ એકદમ સાઈડમાં ચાલવું જોઈએ, જેથી સામે આવતા વાહનો સ્પષ્ટ રીતે જોઈ શકાય અને અકસ્માતનું જોખમ ઘટે. ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી મોડી રાત્રિના સમયે પગયાત્રા ટાળવા તેમજ પ્રતિબિંબિત પટ્ટીઓ, ટોર્ચ અથવા અન્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક શાખા દ્વારા યાત્રાળુઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya