


પોરબંદર, 04 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ અને કાર્યકુશળ શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી દિવસોમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારુ અને સફળ આયોજન માટે પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયાના અધ્યક્ષ સ્થાને આયોજન અન્વયે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં તા. 8થી 14વજૂન દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, વૃક્ષારોપણ અને જતન અભિયાન, સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર, પ્રબુદ્ધ નાગરિક સંમેલન તેમજ પ્રદર્શની સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. કાર્યક્રમોના અસરકારક આયોજન માટે વિવિધ વિભાગોના અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયાએ સંબંધિત નોડલ અધિકારીઓને કાર્યક્રમોનું સુવ્યવસ્થિત અને સફળ આયોજન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તથા વિભાગો વચ્ચે સંકલન જાળવી કામગીરી કરવાની સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી મનહર દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી. એલ. વાઘાણી, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya