
સુરત, 04 જૂન (હિ.સ.) વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના મજબૂત સમર્થક એવા પ્રધાનમંત્રીના આગમનને લઈને જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગો સંકલનપૂર્વક કામગીરી કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સુરતમાં વિશેષ વેગ આપવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરમાં હરિયાળો વિસ્તાર વધારવાનો તેમજ ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જાળવવાનો છે.
નિયત કાર્યક્રમ મુજબ પ્રધાનમંત્રી સૌપ્રથમ હજીરા સ્થિત એક અગ્રણી ઉત્પાદન એકમની મુલાકાત લેશે, જ્યાં તેઓ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરશે. આ કાર્યક્રમ ઉદ્યોગ અને પર્યાવરણના સંતુલિત સહઅસ્તિત્વનો સંદેશ આપશે અને વિકાસ તથા પ્રકૃતિ સંરક્ષણ સાથે-સાથે આગળ વધી શકે તેવું દર્શાવશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે. અહીં તેઓ ધાર્મિક, આધ્યાત્મિક અને ઔષધીય દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતા રુદ્રાક્ષના છોડનું રોપણ કરશે. આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનના સાક્ષી બનશે.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ પરિસરમાં વિશેષ પ્રદર્શન અને વિતરણ કેન્દ્રો ઊભા કરવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવા આશરે 2,000 પવિત્ર અને ઔષધીય છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. જેમાં નગોડ, તુલસી, શેતૂર, સમડી અને સિંદૂર જેવા છોડનો સમાવેશ થાય છે.
વન વિભાગ દ્વારા તમામ છોડ વિશેષ રીતે તૈયાર કરાયેલા માટીના તથા પર્યાવરણમૈત્રી કુંડાઓમાં આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. આ પહેલ દ્વારા સુરત સમગ્ર દેશને ‘હરિત સુશાસન’, ‘હરિત સુરત, સ્વચ્છ સુરત’ અને પર્યાવરણ સંરક્ષણનો સશક્ત સંદેશ આપશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે