
અરવલ્લી/અમદાવાદ, 04 જૂન (હિ.સ.) : ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં હજુ 2-3°Cનો ક્રમશઃ ઘટાડો નોંધાશે. જોકે, ત્યાર બાદ ફરી તાપમાનમાં 2-3°Cનો ધીમો વધારો થઈ શકે છે.છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
બુધવારે સાબરકાંઠા જિલ્લાના પોશીના અને વિજયનગર તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં પોશીનાના દાંતિયા ગામે વીજળી પડતા 17 વર્ષીય વિક્રમ માલા તરારનું મોત થયું હતું. તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સાંજના સમયે અચાનક આવેલા વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન સર્જ્યું છે. અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા છે, જ્યારે વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થતા જનજીવન પ્રભાવિત બન્યું છે. વાવાઝોડાના કારણે વાહનો પણ પલટી ગયાં હતાં.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરીઓ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પ્રચંડ પવન સાથે વરસાદી માહોલ જામશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. અરેબિયન સમુદ્ર, લક્ષદ્વીપ અને કેરળના કેટલાક ભાગોમાં ચોમાસું વધુ આગળ વધવાની સંભાવના છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પણ મોટા ફેરફારો જોવા મળશે.
હવામાન વિભાગએ ગુજરાત, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને તેલંગાણા સહિત 24 રાજ્યોમાં આગામી દિવસો સુધી વરસાદ, વાવાઝોડા અને તેજ પવનોની સંભાવના વ્યક્ત કરી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દાવો કર્યો છે કે ચોમાસાના પવનો આજે સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે કેરળમાં પ્રવેશી શકે છે. આ માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. કેરળ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ