
પાટણ, 04 જૂન (હિ.સ.) : પાટણના જન્મભૂમિ બંગલોઝમાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત સિવિલ એન્જિનિયર દિલીપકુમાર પટેલને 2 એપ્રિલ, 2026ના રોજ ટેલિકોમ અધિકારી બની ફોન કરનારા ઠગોએ આધાર કાર્ડ પરથી મુંબઈમાં સિમકાર્ડ ઇસ્યુ થઈ અશ્લીલ મેસેજ મોકલાતા હોવાની ખોટી માહિતી આપી ડરાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ પોતાને CBI અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવી રૂ. 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમનું નામ હોવાનું અને તેમની ધરપકડ થઈ શકે તેવી ધમકી આપી હતી. વિશ્વાસ જમાવવા માટે વોટ્સએપ પર નકલી વોરંટ અને કોર્ટના દસ્તાવેજો પણ મોકલાયા હતા.
ઠગોએ દિલીપકુમારને ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ રાખી સિગ્નલ એપ પર સતત વીડિયો કોલમાં રહેવા મજબૂર કર્યા હતા. એક સપ્તાહ સુધી માનસિક દબાણ બનાવી દર કલાકે “I am safe” મેસેજ મોકલાવાયો હતો. કેસના વેરિફિકેશનના બહાને પહેલા તેમની FD તોડાવી રૂ. 5.20 લાખ ટ્રાન્સફર કરાવાયા. બાદમાં ઘરના 198.570 ગ્રામ સોનાના દાગીના વેચાવી તેની રકમમાંથી રૂ. 26.80 લાખથી વધુ અલગ-અલગ ખાતાઓમાં RTGS મારફતે જમા કરાવાયા હતા.
કુલ રૂ. 32,00,047.20 ગુમાવ્યા બાદ આરોપીઓએ સંપર્ક તોડી નાખતા વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. તેમણે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતા પાટણ સાયબર ક્રાઈમ પોલીસે BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ