
ભાવનગર, 04 જૂન (હિ.સ.) : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) ભાવનગર ખાતે શીતલ એકેડેમીના સહયોગથી “સોફ્ટ સ્કિલ્સ અને ઇન્ટરવ્યૂ તૈયારી” વિષય પર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓને રોજગારક્ષમ બનાવવા તેમજ નોકરી મેળવવા માટે જરૂરી વ્યક્તિગત અને વ્યવસાયિક કૌશલ્યો અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
કાર્યક્રમમાં 80થી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેમિનાર દરમિયાન નિષ્ણાત વક્તાઓ દ્વારા આત્મવિશ્વાસ વિકસાવવાની પદ્ધતિઓ, અસરકારક સંવાદ કૌશલ્ય, વ્યક્તિત્વ વિકાસ, સમય વ્યવસ્થાપન તેમજ ટીમવર્ક જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ નોકરી માટેના ઇન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવારોએ કેવી રીતે પોતાની રજૂઆત કરવી, સામાન્ય પૂછાતા પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા અને ઇન્ટરવ્યૂમાં થતી સામાન્ય ભૂલોથી કેવી રીતે બચવું તે અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર ટેકનિકલ જ્ઞાન પૂરતું નથી, પરંતુ સારા સંવાદ કૌશલ્ય, હકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસ પણ સફળ કારકિર્દી માટે એટલા જ મહત્વપૂર્ણ છે. તાલીમાર્થીઓને મોક ઇન્ટરવ્યૂ અને વ્યવહારુ ઉદાહરણો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના કારણે તેઓને વિષય વધુ સરળતાથી સમજવામાં મદદ મળી.
સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસા સંતોષી હતી. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓએ આવા માર્ગદર્શન કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને રોજગારની તકો માટે વધુ સજ્જ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA