



પોરબંદર, 04 જૂન (હિ.સ.)પોરબંદર શહેરના હૃદયસ્થાને આવેલ ઐતિહાસિક કમલાબાગ ખાતે ચાલી રહેલા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીનું મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાંધકામ શાખાના અધિકારીઓ, એન્જિનિયરો તથા કામગીરી સાથે સંકળાયેલી એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.કમિશનરએ સમગ્ર પ્રોજેક્ટ વિસ્તારની મુલાકાત લઈ વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે બાંધકામની ગુણવત્તા, કાર્યપદ્ધતિ અને કામગીરીની ગતિ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ સંબંધિત અધિકારીઓ અને એજન્સીને તમામ કામગીરી ગુણવત્તાયુક્ત રીતે તથા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી.
પોરબંદર શહેરના નાગરિકોને વધુ આધુનિક અને સુવિધાસભર જાહેર સ્થળ ઉપલબ્ધ કરાવવા માટે રૂ. 2.74 કરોડના ખર્ચે કમલાબાગ ગાર્ડન ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના મેયર સાગર મોદીની સૂચના અને કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કમલાબાગનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિશાળ પ્રમાણમાં લેન્ડસ્કેપિંગ, હરિયાળી વિકાસ, સુવ્યવસ્થિત વોકવે, પેબલ સ્ટોન પાથવે, ગ્રાસ પેવિંગ બ્લોક્સ અને આરામદાયક બેઠક વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત બાગમાં વિશેષ રોઝ ગાર્ડન વિકસાવવામાં આવશે, જે પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. બાળકોના સર્વાંગી વિકાસ અને મનોરંજનને ધ્યાનમાં રાખી આધુનિક ચિલ્ડ્રન પ્લે એરિયા તથા ચિલ્ડ્રન પ્લે ફાઉન્ટેનનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ નાગરિકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ યોગા ગાર્ડન પણ વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ આકર્ષક ગઝેબો, સુશોભિત પ્રવેશદ્વાર, વિવિધ ડેકોરેટિવ એનિમલ સ્કલ્પચર્સ, બોલાર્ડ લાઈટ્સ, સ્પોટ લાઈટ્સ અને આધુનિક એલઈડી લાઈટિંગ સિસ્ટમ ઉભી કરવામાં આવશે. રાત્રિના સમયે બાગ વધુ આકર્ષક અને સુરક્ષિત બની રહે તે માટે વિશેષ લાઈટિંગ વ્યવસ્થા સાથે સીસીટીવી કેમેરા અને સાઉન્ડ સિસ્ટમની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મુલાકાતીઓની સુવિધા માટે ફૂડ કોર્ટ વિસ્તાર તેમજ સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા પણ વિકસાવવામાં આવશે. આ તમામ સુવિધાઓના કારણે કમલાબાગ પરિવારજનો, બાળકો, યુવાનો અને વડીલો માટે આરોગ્ય, મનોરંજન અને સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે. સ્થળ નિરીક્ષણ દરમિયાન કમિશનર એચ. જે. પ્રજાપતિએ અધિકારીઓ અને એજન્સીને કામગીરીમાં ગુણવત્તા જાળવી સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ કમલાબાગ પોરબંદર શહેરનું એક આધુનિક, આકર્ષક અને સર્વસુવિધાયુક્ત ગાર્ડન તરીકે વિકસશે, જે નાગરિકો તેમજ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya